કોરોના: સારવાર હેઠળના સક્રિય કેસમાં ગંભીર ઉછાળો

કોરોના: સારવાર હેઠળના સક્રિય કેસમાં ગંભીર ઉછાળો
17 દિવસ બાદ સક્રિય કેસની સંખ્યા 1.5 લાખને પાર: સંક્રમિતોની કુલ સંખ્યા 1.10 કરોડને આંબી
નવી દિલ્હી, તા. 22 : ભારતમાં એક તરફ કોરોનાને નાથવા માટે વર્ષના પ્રારંભથી છેડાયેલાં રસીકરણ અભિયાને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું. બીજી તરફ, સંક્રમણ ઘટવા પણ માંડતાં ‘હવે મહામારી ખતમ’ તેવા વિચાર સાથે ચિંતામુક્ત બની ગયેલા નાગરિકોએ માસ્ક પહેરવાથી માંડીને સામાજિક અંતર જાળવવા સુધીનાં શિસ્તને નેવે મૂકી દેતાં નવેસરથી કાળમુખા વાયરસે માથું ઊંચકયું છે. દેશમાં નવેમ્બરના અંત બાદ સારવાર હેઠળ હોય તેવા સક્રિય કેસોની સંખ્યામાં સૌથી વધુ ઉછાળો આવ્યો છે અને સોમવારે ત્રણ ટકાના વધારા સાથે 4421 સક્રિય કેસ વધી જતાં છેલ્લા 17 દિવસ બાદ સક્રિય કેસોની સંખ્યા ફરી આજે દોઢ લાખને પાર પહોંચી ગઇ હતી. બીજી તરફ, આજે સળંગ બીજા દિવસે 14 હજારથી વધુ નવા કેસ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 1.10 કરોડને આંબી ગઇ છે.
સોમવારે સળંગ પાંચમા દિવસે વધારા સાથે આજ સહિત પાંચ દિવસમાં 13,506 સક્રિય કેસો વધી ગયા છે.
મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, છતીસગઢ અને મધ્યપ્રદેશ મળીને પાંચ રાજ્યોમાં નવા કેસોમાં ઝડપભેર વધારાનાં પગલે સક્રિય કેસોમાં છેલ્લા એક અઠવાડિયાંમાં 13.8 ટકાનો ઉછાળો આવ્યો છે.
સંક્રમણમાં અચાનક વધારાથી સાબદી બની ગયેલી દેશની સરકારે આ પાંચ રાજ્યોના નાગરિકોને ચેતવણી આપતાં સંક્રમણની સાંકળ તોડવા કોવિડ-19 સંબંધિત તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું છે.
સૌથી મોટી ચિંતાજનક હકીકત તો એ છે કે, સક્રિય કેસોમાં 74 ટકા મહારાષ્ટ્ર અને કેરળના છે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ અને કાશ્મીરમાં પણ રોજ નવા કેસ ગતિભેર વધી રહ્યા છે.
દેશમાં આજે 14,199 નવા કેસ સામે આવતાં દર્દીઓની કુલ સંખ્યા વધીને એક કરોડ, 10 લાખ, 5850 થઇ ગઇ છે.
સંક્રમણમાં ઉછાળા સાથે સક્રિય કેસ પણ વધી રહ્યા છે. દેશમાં સોમવારે 4421 સક્રિય કેસો વધતાં આજની તારીખે દોઢ લાખથી વધુ 1,50,055 સક્રિય કેસો છે.
આમ, લગાતાર પાંચ દિવસથી ઉછાળાનાં પગલે કુલ સંક્રમિત સંખ્યાની તુલનામાં સારવાર હેઠળ છે, તેવા સક્રિય કેસોનું પ્રમાણ ફરી વધીને 1.36 ટકા થઇ ગયું છે.
દેશમાં આજે વધુ 83 દર્દી કોરોનાનો કોળિયો બની જતાં મરણાંક વધીને 1,53,385 થયો છે. મૃત્યુદર 1.42 ટકા પર સ્થિર છે.
--------------
માર્ચથી વરિષ્ઠ નાગરિકોને રસી બીજા ચરણમાં બે જૂથ પાડી, એક જૂથને મફત અપાશે
નવી દિલ્હી, તા. 22 : દેશમાં કોરોનાને નાથવા માટે વરસની શરૂઆતથી જ છેડાયેલા રસીકરણ અભિયાન હેઠળ એક કરોડથી વધુ લોકોને રસી અપાઇ ચૂકી છે. હવે બીજાં ચરણમાં માર્ચથી વરિષ્ઠ નાગરિકોને રસી અપાશે. આ ચરણમાં 27 કરોડ લાભાર્થીના બે સમૂહ વિભાજિત કરી એક જૂથને વિનામૂલ્યે રસી અપાશે. જ્યારે બીજા જૂથે રસી માટે ખર્ચ કરવો પડશે.
બીજા દોરમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રાથમિકતા અપાશે. લાભાર્થી મતદાર યાદી મુજબ જ્યાં રહે છે તે સિવાયનું રાજ્ય પણ પસંદ કરી શકશે. સરકાર એ નક્કી કરશે કે કયા સમૂહને મફતમાં રસીનો લાભ આપવો. નોંધણી વખતે લાભાર્થીઓને ખબર પડશે કે તેઓ વિનામૂલ્યે રસીકરણને પાત્ર છે કે નહીં. સરકારના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, માર્ચના પ્રથમ સપ્તાહથી જ રસીકરણના બીજાં ચરણની શરૂઆત થશે.
જાત નોંધણી પ્રક્રિયા દરમ્યાન લાભાર્થીઓ દ્વારા અપાતી તેમની જાણકારીની મતદાર યાદી અને આધારકાર્ડની વિગતોના આધારે તપાસ કરાશે તેવું તેમણે ઉમેર્યું હતું. દરમ્યાન, કેન્દ્રીય આરોગ્ય સચિન રાજેશ ભૂષણે રાજ્યોને રસીકરણની ગતિ વધારવા સાથે અઠવાડિયામાં કમસેકમ ચાર દિવસ રસીકરણ કરવાની સૂચના આપતો એક પત્ર લખ્યો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer