ચાર રાજ્યોની પેટ્રોલ, ડીઝલમાં રાહત

ચાર રાજ્યોની પેટ્રોલ, ડીઝલમાં રાહત
બંગાળ, રાજસ્થાન, મેઘાલય, આસામે વેરા ઘટાડી, કેન્દ્ર સરકારને અરીસો બતાવ્યો
નવી દિલ્હી, તા. 22 : ઘરેલુ ઈંધણ ભાવવધારાને કાચા તેલની વિશ્વ સ્તરે વધતી કિંમતો સાથે પૂરો સંબંધ નથી, પરંતુ તેનું અસલી કારણ સરકારી વેરા છે, તેવું સાબિત કરી આપતા ભારતના ચાર રાજ્યોએ પેટ્રોલ, ડીઝલના ભાવમાં જનતાને રાહત આપી છે અને કેન્દ્ર સરકારને અરીસો બતાવ્યો છે. રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલયની સરકારોએ પોતાના વેરા પર કાપ મૂકી દઈને આ બંને ઈંધણના ભાવ થોડાક ઘટાડયા છે.
સૌથી પહેલાં રાજસ્થાને 29મી જાન્યુઆરીના વેટ 38 ટકામાંથી ઘટાડીને 36 ટકા કરી નાખ્યો હતો. બંગાળે ગઈકાલે રવિવારે વેટ એક રૂપિયો ઘટાડયો હતો. આસામે પણ 12મી ફેબ્રુઆરીના દિવસે કોરોના સંકટના કારણે વીતેલા વરસે લાદી દીધેલો પાંચ ટકા વધારાનો વેરો પાછો ખેંચી લીધો હતો. પૂર્વોત્તર રાજ્ય મેઘાલયે સૌથી મોટી રાહત આપતાં આ રાજ્યની સરકારે પેટ્રોલ પર 7.40 રૂપિયા અને ડીઝલ પર 7.10 રૂપિયા વેરા ઘટાડયા છે. પરંતુ, કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડયુટી ઘટાડવાનો ઈન્કાર કરી દીધો છે.
કેન્દ્રની મોદી સરકારે વીતેલા વરસે માર્ચથી મે વચ્ચે પેટ્રોલ પર એક્સાઈઝ ડયુટી 13 રૂપિયા અને ડીઝલ પર 16 રૂપિયા વધારી દીધી હતી.
------------------
પેટ્રોલ-ડીઝલ બાદ ડુંગળી રડાવે છે
‘ગરીબોની કસ્તૂરી’ની કિંમત 75 રૂપિયા સુધી વધી
નવી દિલ્હી, તા. 22 : દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં આગ સામાન્યજનને દઝાડી રહી છે, ત્યાં દાઝયા પર ડામ જેવા તાલમાં ‘ગરીબોની કસ્તૂરી’ ડુંગળી પણ મોંઘી થઇ, મધ્યમ વર્ગને રડાવવા માંડી છે. રાજધાની દિલ્હીમાં ડુંગળી 50 રૂપિયે કિલોના ભાવે જથ્થાબંધ બજારમાં વેચાય છે, પરંતુ છૂટક બજારમાં નીકળતાં આમઆદમીને 65થી 75 રૂપિયે કિલોના આકરા ભાવે ખરીદવી પડે છે. છેલ્લા દોઢ મહિનામાં ડુંગળીની કિંમત લગભગ બમણી થઇ છે. એશિયાની સૌથી મોટી બજાર લાસલગાંવમાં ડુંગળીના જથ્થાબંધ ભાવ બે દિવસમાં પ્રતિ ક્વિંટલ 970 રૂપિયા વધીને 4500 રૂપિયા પ્રતિ ક્વિંટલ પર પહોંચી ગયા છે. દેશભરમાં નાસિકના લાસલગાંવથી ડુંગળી મોકલાય છે. હકીકતમાં, મહારાષ્ટ્રમાં માવઠું અને ઓલાવૃષ્ટિએ કામ બગાડયું છે. વિપરિત હવામાનનાં કારણે પાકને નુકસાન થતાં જથ્થાબંધ બજારમાં ડુંગળીની આવક ઓછી થવા માંડી છે.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer