દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નકલી ડ્રાઇવિંગ લાઇસન્સનું કૌભાંડ ઝડપાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નકલી ડ્રાઇવિંગ લાઇસન્સનું કૌભાંડ ઝડપાયું
જિલ્લા એસ.ઓ.જી પોલીસે દ્વારકાના એક મુસ્લિમ શખસની અટકાયત કરી અન્ય 6ની શોધખોળ હાથ ધરાઈ
 
ખંભાળિયા/દ્વારકા, તા.23: દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી જિલ્લા પોલીસ વડા સુનિલ જોષીની સૂચનાથી એસ.ઓ.જી. ટીમે નકલી ડ્રાઇવિંગ લાયસન્સનું મોટું કૌભાંડ ઝડપી પાડયું હતું. તેમાં દ્વારકાના એક મુસ્લિમ શખસની અટક કરી લેવામાં આવી હતી. પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીની પૂછપરછ અને ઉંડી તપાસ હાથ ધરવામાં આવતા એક મુખ્ય સૂત્રધાર સહિત 6 શખસનાં નામ ખૂલવા પામતા હાલ પોલીસ દ્વારા 6 શખસને શોધવા સઘન કાર્યવાહી હાથ ધરી છે.
આ અનુસંધાને જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એસ.ઓ.જી. પોલીસે સમગ્ર કૌભાંડની તપાસ હાથ ધરવામાં આવતા એસ.ઓ.જી. સ્ટાફના અશોક સવાણી અને સુરેશ વાનરિયાને મળેલ બાતમીના આધારે દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારના રહીશ અને માછીમારીનો વ્યવસાય કરતા સુલતાન અયુબ સુમારભાઈ સોઢા નામના  મુસ્લિમ શખસને ગઈકાલે ઝડપી પાડયો હતો અને તેની પાસેથી  15 બનાવટી નકલી ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવેલ હતા. પોલીસે ઝડપાયેલ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરતા આ આરોપી સુલતાન તેના સાળા રિઝવાન રસુલ અંસારી પાસે બનાવડાવતો હોવાની કબૂલાત આપી હતી તેમજ તેને એક લાયસન્સ બનાવવાના 3000 રૂપિયા લેવામાં આવતા હતા.
 આ શખસોએ આજ દિવસ સુધી સલાયાના જૂનસ ઓસમાણ મોખાને કુલ - 9, બેટના અલી હસન સપને કુલ 9, નવિદ હારૂન સમા રોજીના દંગાવાળાને કુલ 8, દ્વારકાના ઇકબાલ વલીમામદ સુભણિયાને કુલ 5 તથા ઓખાના નજીર તાલબ સંઘારને કુલ 8 બનાવટી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપ્યાનું સામે આવ્યું હતું. આ શખસો દ્વારા આર.ટી.ઓ અધિકારી દ્વારા ઇસ્યુ થાય તે આર.ટી.ઓ.ની સહીનો ડિજિટલ તરીકે ઉપયોગ કરી નકલી લાયસન્સ બનાવી પૈસા બનાવવા માટેનું મસમોટું કૌભાંડ એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયું હતું. હાલ પોલીસ દ્વારા મુખ્ય સૂત્રધાર સહિત અન્ય 6 શખસની શોધખોળ માટે સઘન કાર્યવાહી હાથ ધરી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer