લીબડી, તા.ર3 : સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા પંથકમાં જમીન પચાવી પાડનાર ત્રણ શખસો વિરુધ્ધ સૌપ્રથમ વખત લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ગુનો નોંધવામાં આવતા ભુમાફીયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસે ત્રણેય શખસોને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, મુળ ચુડા તાબેના ચોકડી ગામના અને હાલમાં બોટાદમાં કાદર શેઠની વાડી પાસે લાતીબજારમાં રહેતા પ્રવિણભાઈ ધીરુભાઈ ચૌહાણ નામના દલવાડી યુવાને ચુડાના ચોકડી ગામે રહેતા લાલજી રણછોડ રબારી, રુતુ લાલજી રબારી અને પાર્થ લાલજી રબારી નામના શખસો વિરુધ્ધ તેની જમીન પચાવી પાડયાની એસપીને ફરિયાદ કરતા આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી અને ફરિયાદી પ્રવિણ ચૌહાણની ચોકડી ગામે આવેલી વડીલોપાર્જીત જમીનના બોગસ દસ્તાવેજો બનાવી ત્રણેય શખસોએ પચાવી પાડી કબજો જમાવી દીધાનું ખુલતા પોલીસે ત્રણેય શખસો વિરુધ્ધ લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.