મોરબીમાં બાળાનું અપહરણ કરી દુષ્કર્મ આચરી હત્યા કરનાર શખસ ઝડપાયો

મોરબી, તા.ર3 : મોરબીના સરતાનપર રોડ પર આવેલી ફેકટરીમાં કામ કરતા મજૂર પરિવારની માસુમ બાળકીનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચરી હત્યા કરી લાશ ફેકી દેવાના બનાવમાં પોલીસે સીરામીક ફેકટરીમાં કામ કરતા મુળ ઝારખંડ પંથકના પરપ્રાંતીય શખસને ઝડપી લઈ રીમાન્ડ પર લેવા તજવીજ હાથધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, મુળ એમપી પંથકના અને હાલમાં મોરબીના સરતાનપર રોડ પર આવેલી સીરામીક ફેકટરીમાં મજૂરી કામ કરતા પરિવારની 7 વર્ષની બાળકીનું ફેકટરી પાસેથી અજાણ્યો શખસ અપહરણ કરી ગયાની ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
દરમિયાન મકનસર ગામની સીમમાંથી બાળાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડયો હતો. દરમિયાન પીએમ રીપોર્ટમાં બાળા સાથે દુષ્કર્મ આચરી હત્યા કરવામા આવી હોવાનું ખુલતા પોલીસે હત્યારાની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન પોલીસે સરતાનપર રોડ પર આવેલી મોટો સીરામીકમાં કામ કરતા મુળ ઝારખંડના દુર્ગાચરણ ઉર્ફે ટારજન રેગો ભગવાન સૈવયા નામના પરપ્રાંતીય શખસને ઝડપી લઈ વધુ તપાસ અર્થે રીમાન્ડ પર લેવા તજવીજ હાથધરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer