સાધુ ભાનુપ્રકાશના નિવેદન સામે ઉગ્ર રોષ: ગઢડા સ્વયંભૂ સજ્જડ બંધ

સાધુ ભાનુપ્રકાશના નિવેદન સામે ઉગ્ર રોષ: ગઢડા સ્વયંભૂ સજ્જડ બંધ
ગોપીનાથજી દેવ મંદિરના સત્તાધારી દેવપક્ષના
લોકોમાં બુલંદ વિરોધ, તીખી પ્રતિક્રિયા : સાધુ તરફથી દિલગીરી વ્યક્ત કરાઈ
(ફૂલછાબ ન્યુઝ)
ગઢડા (સ્વામીના), તા. 23 : ગઢડા (સ્વામીના) ગોપીનાથજી દેવ મંદિર સત્તા પક્ષે બેઠેલા દેવપક્ષના સાધુ ભાનુપ્રકાશના વાયરલ થયેલા વીડિયોમાં તેમના નિવેદન સામે ઉગ્ર રોષ ભભૂકી ઉઠતા સમગ્ર ગામે સ્વયંભૂ સજ્જડ બંધ પાળ્યું હતું.  સાધુ ભાનુપ્રકાશના વાયરલ થયેલા કથિત વીડિયોમાં બોલવામાં આવેલા શબ્દો મુદ્દે નગરજનો તરફથી ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી હતી. આ અનુસંધાને સમગ્ર શહેરમાં વેપારીઓ તરફથી મંતવ્યો રજુ કર્યા બાદ કોઈ એક વ્યક્તિ કે સમાજ અને સંસ્થા તરફથી બંધનું એલાન નહીં પરંતુ સમગ્ર બાબતે સ્વયંભૂ વિરોધ પ્રદર્શિત કરી સામૂહિક બંધ પાળવામાં આવ્યો હતો. નાના-મોટા તમામ વેપારીઓ, લારીગલ્લા ધારકોએ પોતાના કામધંધા બંધ રાખ્યા હતા.
આ બાબતે સાધુ ભાનુપ્રકાશ તરફથી દિલગીરી વ્યક્ત કરતો વીડિયો અને એક પત્ર પણ ગત સાંજે વાયરલ કરાયો હતો પરંતુ બુંદ સે ગઈ હોજ સે નહીં સુધરતી જેવા ઘાટ વચ્ચે લોકોએ વિરોધનો સૂર દર્શાવી તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. આ વિવાદથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
-----------
સાધુ તરીકે ભાનુપ્રકાશ વિમુખ કરાયા હોવાનો એસપી સ્વામીનો ઘટસ્ફોટ
ગઢડા સ્વામીના ગોપીનાથજી દેવ મંદિરમાં સત્તા પક્ષે બેઠેલા દેવપક્ષના સાધુ ભાનુપ્રકાશથી લોકો નારાજ હોવાનું અને સમગ્ર ગામ સ્વયંભૂ બંધ પાળીને વિરોધ દર્શાવવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આચાર્ય પક્ષના એસપી સ્વામી તરફથી કોર્ટ અને ધર્મના વડા તરફથી અગાઉ વર્ષ 1997-98માં કરવામાં આવેલી કાર્યવાહીના દસ્તાવેજ રજુ કરી ભાનુપ્રકાશ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ છે જ નહીં તેવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. તેમજ ભાનુપ્રકાશ સ્વામીને ધર્મના વડાએ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી દૂર કરેલા છે તેમને સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ મંદિરમાં રહેવાનો હક્ક જ નથી તેમ જણાવાયું હતું. ગઢડા ગામને તીર્થ મુંડીયા કહી ગઢડાના નાગરિકોનું અપમાન કર્યું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer