જામનગરના દરેડ વિસ્તારમાં જયેશ પટેલના કહેવાથી 179 નોટરી દસ્તાવેજોમાં સહી કર્યાની આરોપીની કબૂલાત

જામનગરના દરેડ વિસ્તારમાં  જયેશ પટેલના કહેવાથી 179 નોટરી દસ્તાવેજોમાં સહી કર્યાની આરોપીની કબૂલાત
અન્ય 20 શખસની ધરપકડ : ખોટા દસ્તાવેજો ઉભા કરવા જયેશ પટેલ પાસેથી રૂા.બે લાખ મેળવ્યા હતા: પોલીસે આ પ્રકરણમાં જયેશને મુખ્ય સૂત્રધાર ગણાવ્યો
(ફૂલછાબ ન્યુઝ)
જામનગર તા.23:  જામનગરના  દરેડમાં સરકારી ખરાબાની જગ્યામાં દબાણ કરવા અંગેનો લેન્ડ ગ્રેબિંગ એકટનો ગુનો દાખલ કરાયો છે.તે ગુનાના મુખ્ય સુત્રધાર એવા વિજય માલાણી નામના શખસે પોલીસની રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે.જેમાં પોતે કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ સાથે પોતે સાગરિત હોવાની કબુલાત આપી હતી. તેના કહેવાથી જ કુલ 179 દસ્તાવેજો કરી આપ્યાનું કબૂલ્યું છે. તેના માટે જયેશ પટેલે બે લાખ રૂપિયા આપ્યાની પણ કબૂલાત તેણે કરી છે.જેથી પોલીસ દ્વારા જયેશ પટેલને આ પ્રકરણમાં મુખ્ય સુત્રધાર ગણાવાયો છે.
દરેડ વિસ્તારની સર્વે નં.131 અને 132વાળી જગ્યામાં દબાણ કરવા અંગે હાલમાં 64  પ્લોટધારકો સામે ગુનો દાખલ કરાયો છે.અન્ય પ્લોટ ધારકોના નામ ખુલ્લે તેની સામે પણ પગલાં લેવાની કાર્યવાહી થઈ રહી છે.જેના અનુસંધાને પોલીસે સૌપ્રથમ મુખ્ય સુત્રધાર ગણાતા વિજય માલાણી નામના શખસની ધરપકડ કરી રિમાન્ડ પર લીધો છે.આ આરોપીએ પોલીસ સમક્ષ અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. તેણે જયેશ પટેલના કહેવાથી જ સમગ્ર કાર્યવાહી કરી હોવાની અને જયેશ પટેલ વતી કામ કરતો હોવાનું કબુલ્યું હતું. 2010ની સાલથી પોતે જયેશ પટેલના સંપર્કમાં આવ્યો હતો.
દરેડ વિસ્તારની જમીન મૂળભૂત ભરવાડ પરિવારની હતી. પરંતુ તે જમીન સરકારમાં પરત ચાલી ગઈ હતી. તેમ છતાં પણ તેણે ભરવાડ સાથેના ખોટા નોટરી કરારો વગેરે બનાવી લીધા હતા અને તેના આધારે 179 પ્લોટ પાડીને નવી પ્રિન્ટ કરી હતી. તમામ પ્લોટ અન્ય વ્યકિતને વેંચવા માટેના 10 રૂપિયાના સ્ટેમ્પ પેપરના નોટરી કરાર કર્યા હતા. એ તમામ 179 કરારમાં પોતે સહી કરી હોવાનું આરોપીએ જણાવ્યું છે. જેના માટે જયેશ પટેલે તેને બે લાખ રૂપિયા પણ આપ્યા હોવાની કબૂલાત કરી છે.
આથી પોલીસે આ પ્રકરણમાં જયેશ પટેલને મુખ્ય આરોપી ગણ્યો છે અને આ ગુનામાં ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં 64 પ્લોટ ધારકો સામે અટકાયતીનો દોર શરૂ કરાયો છે.ઉપરાંત અન્ય બાકી રહેતા પ્લોટ કે જેમાં હાલમાં રહેઠાણો અથવા તો અન્ય કોઈ દબાણ થયા છે કે કેમ? તેની પણ સર્વે કરવાની કામગીરી જામનગર ગ્રામ્ય મામલતદાર દ્વારા ચાલી રહી છે.પોલીસ તંત્ર પણ આ અંગે તપાસ કરી રહયું છે. અન્ય જે પ્લોટ ધારકો દ્વારા દબાણ કરાયું હશે તેની સામે પણ ધરપકડની કાર્યવાહી થશે.
વધુ 20 શખસની ધરપકડ
જામનગર સંલગ્ન દરેડ વિસ્તારમાં ગેરકાયદે દબાણ કરવા અંગેના ચકચારી પ્રકરણ લેન્ડ ગ્રેબિંગ એકટનો ગુનો દાખલ કરાયા પછી પોલીસ તંત્ર દ્વારા ગઈરાત્રે વધુ 20 આસામીઓની ધરપકડ કરી છે. તેઓ પાસેથી જગ્યાના 10 રૂપિયાના સ્ટેમ્પ પેપરવાળા નોટરી સહિતના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે.આ પ્રકરણમાં હજુ અનેક આસામીઓની સામે ધરપકડના પગલાં તોળાઈ રહયા છે.
---------
આરોપી જયેશ પટેલ હાજર થાય: ધરપકડ વોરન્ટ પરત આવતા ચીફ જયુડી. મેજિસ્ટ્રેટનો હુકમ
જામનગર તા.23: (ફૂલછાબ ન્યુઝ) ભૂમાફિયા જયેશ પટેલની જમીનો તેમજ ખૂન સહિતના ગુનાઓમાં સંડોવણી છે. પરંતુ તે લાંબા સમયથી ફરાર છે. જામનગરના ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટે જયેશ પટેલને 30 દિવસમાં કોર્ટમાં હાજર થવા હુકમ સાથે જાહેરનામું બહાર પાડયું છે. જાહેરનામામાં જણાવાયું છે કે, જામનગરમાં દિગ્વિજય પ્લોટ, શેરી નં.64 પાછળ ધનેશ્વર રેસિડેન્સી ફલેટ નં.401માં રહેતા (મૂળ રહેવાસી લોઠિયા, તાલુકો જામનગર) જયસુખ ઉર્ફે જયેશ મૂળજીભાઈ રાણપરિયા સામે જુદી-જુદી કાયદાકીય કલમો હેઠળ શિક્ષાપાત્ર ગુના કર્યા છે.
આ અંગે કાઢવામાં આવેલું ધરપકડ વોરન્ટ જયેશ રાણપરિયા મળી આવતા નથી તેવા શેરા સાથે પરત આવેલ છે અને તેઓ ફરાર થયેલ છે.
આથી ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટે ફરિયાદનો જવાબ આપવા અને તેના વિરૂધ્ધના કેસમાં જયેશ રાણપરિયાને 30 દિવસમાં જાતે કોર્ટમાં હાજર થવા ફરમાન કર્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer