- સ્વર્ણિમ હેઠળ શહેરને વધુ 204 કરોડની ગ્રાન્ટ ફાળવતા મુખ્યમંત્રી : ‘બસ કામ કરો પૈસા સરકાર આપશે’
- આમ્રપાલી બ્રિજ સહિત અનેક વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયાં
જનકસિંહ ઝાલા
રાજકોટ, તા.21 : ‘દુનિયાના આધુનિક શહેરો સાથે રાજકોટ ખડુ રહે તે રીતે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. નવું એરપોર્ટ, નવી એઈમ્સ, બસ પોર્ટ, જીઆઈડીસી, નવી જનાના હોસ્પિટલ, રાજકોટ-અમદાવાદ સિક્સ લેન સહિતના અનેક વિકાસકામો સાથે રાજકોટ આગળ ધપી રહ્યું છે. પૈસાના વાકે આ સરકારે ક્યારેય કામ અટકવા દીધા નથી, બસ કામ કરો, સરકાર પૈસા આપતી રહેશે’ તેવું આજરોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં હાથ ધરાનારા શ્રેણીબદ્ધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું.
રૈયારોડ પર રૂ.25.53 કરોડના ખર્ચે નિર્મિત અંડરબ્રિજને આજે શહેરીજનો માટે ખુલ્લો મૂક્યા બાદ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, શહેર રેલવે ફાટકમુક્ત બનવા જઈ રહ્યું છે. આજે રૈયારોડ આમ્રપાલી ફાટક બ્રિજનું લોકાર્પણ કરાયું છે. નજીકના ભવિષ્યમાં જ નાનામવા ચોક, કે.કે.વી ચોક, જડુસ ચોક તેમજ રામદેવપીર ચોકડીએ રૂ.239 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનશે. શહેરની હદમાં પાંચ વર્ષ પૂર્વે સમાવિષ્ટ થયેલા કોઠારિયા-વાવડી વિસ્તારોમાં અગાઉ પીવાના પાણીની સ્થિતિ શું હતી એ સહુ કોઈ જાણે છે પરંતુ હવે એ સમસ્યા ભૂતકાળ બની ગઈ છે. ઈએસઆર-જીએસઆર તેમજ ડીઆઈ પાઈપલાઈન નેટવર્ક ઉભુ થવાથી અહીના 85,000 લોકોને રાહત થશે.
સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજકોટને રૂ.204 કરોડની ગ્રાન્ટની ફાળવણીની જાહેરાત કરતાં મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે, કોંગ્રેસની રાજકીય ઈચ્છા શક્તિના અભાવે વિકાસ રૂંધાઈ ગયો હતો. મોદીએ વિકાસની રાજનીતિને અગ્રતા આપી છે. આજે વિકાસ અને ભારતીય જનતા પાર્ટી એક બીજાના પર્યાય બની ગયાં છે. વર્ષોથી રાજકોટ પાણી વગર ટળવળતું હતું પરંતુ હવે એ દિવસો ભૂતકાળ બની ગયાં છે. લોકો નર્મદાની પરિક્રમાં કરવા માટે જતાં હોય છે પરંતુ મા નર્મદા આજે ખુદ સૌરાષ્ટ્રની પરિક્રમા કરી રહી છે. આજી ડેમને 3-3 વખત નર્મદા નીરથી ભરવામાં આવ્યો છે. 3 વર્ષમાં 300 ટીપી સ્કીમ મંજૂર કરીને હેટ્રીક મારી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના કાળ વચ્ચે પણ આપણે થાક્યા નથી વિકાસ ચાલતો રહ્યો છે. આપત્તિને અવસરમાં કેમ પલટાવો એ ગુજરાતીઓની તાકાત છે. હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવીને ગુજરાતના વિકાસને દોડતો કર્યો છે. છેલ્લા છ માસમાં ગુજરાતમાં 27,000 કરોડના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયાં છે. પ્રત્યેક 10 કિ.મીના અંતરે વિકાસનું કામ નજરે ચડે છે. કોંગ્રેસના રાજમાં બે દાયકા પૂર્વે સરકારનું કુલ બજેટ જ રૂ.9,000 કરોડ હતું જ્યારે આ એક જ વર્ષમાં રૂ.2 લાખ 10 હજાર કરોડનું બજેટ મોદી સરકારે રજુ કર્યુ હતું. આમ મુખ્યમંત્રી રૂપાણીએ કોર્પોરેશનના રૂ.132.23 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ તથા રૂડાના 46.19 કરોડના વિવિધ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત કર્યા હતાં.
કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સાથે ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠિયા, ગુજરાત મ્યુનિ.ફાયનાનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, કમિશનર ઉદિત અંગ્રવાલ મંચસ્થ રહ્યાં હતાં.
દુનિયાનું આધુનિક શહેર બનવા રાજકોટની આગેકૂચ: મુખ્યમંત્રી
