કૃષિ કાયદાનો અમલ રોકવાની ઓફર ખેડૂતોએ ફગાવી

કૃષિ કાયદાનો અમલ રોકવાની ઓફર ખેડૂતોએ ફગાવી
-આજે સરકાર-ખેડૂતો વચ્ચે 11મા તબક્કાની વાટાઘાટ પહેલા મડાગાંઠ અકબંધ: 26મીની ટ્રેકટર રેલીને મંજૂરીનો પોલીસનો ઈનકાર, ખેડૂતો મક્કમ
 
 
નવી દિલ્હી, તા.ર1 : ર6મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ નિમિત્તે ખેડૂતોની પ્રસ્તાવિત ટ્રેકટર રેલીને મંજૂરી આપવા દિલ્હી પોલીસે ઈન્કાર કરી દીધો છે. જ્યારે ખેડૂતો 26મીએ ટ્રેક્ટર રેલી કરવાં માટે કટિબદ્ધ છે. તો બીજીબાજુ કૃષિ કાયદાઓની અમલવારી દોઢ વર્ષ માટે અટકાવી દેવાનાં સરકારનાં પ્રસ્તાવને કિસાનોએ ઠુકરાવી દીધો છે.
ખેડૂતો સાથે 10મા તબક્કાની વાટાઘાટમાં સરકારે કૃષિ કાયદાનો અમલ રોકવાની ઓફર કર્યા બાદ આજે મળેલી સંયુક્ત કિસાન મોરચાની બેઠકમાં કેન્દ્રનાં પ્રસ્તાવને ખારિજ કરી દેવામાં આવ્યો હતો. તમામ ખેડૂત નેતાઓ દ્વરા કાયદા રદ કરવાની અને ટેકાનાં ભાવ માટે કાયદો બનાવવાની માગણીનો દૃઢતાથી પુનરોચ્ચાર કર્યો હતો. આવતીકાલે 11મા ચરણની વાટાઘાટો પહેલા આજે ફરી એકવાર મડાગાંઠનો કોઈ ઉકેલ દૂર સુધી દેખાતો ન હતો.
આ પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા રચિત સમિતિએ પણ આજે કિસાન સંગઠનો સાથે ઓનલાઈન વાર્તાલાપ કર્યો હતો. કહેવાય છે કે આમાં વિભિન્ન રાજ્યોનાં 8 સંગઠનો સાથે ચર્ચા થઈ હતી. જેમાં કેટલાક સંગઠને તેનાં ઉપર સહમતી તો કેટલાક દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. હવે આની આગામી બેઠક 27મી જાન્યુઆરીએ થશે.
દિલ્હીની સિંઘુ બોર્ડર પાસે મંત્રમ રિસોર્ટમાં ગુરૂવારે યોજાયેલી બેઠક બાદ ખેડૂત નેતા દર્શન પાલે કહ્યું કે આઉટર રિંગરોડ પર સુરક્ષા કારણોસર ગણતંત્ર દિવસ પર ટ્રેકટર પરેડનું આયોજન કરવા મંજૂરી મળે તેમ નથી પરંતુ અમે ત્યાં જ યોજીશું. કેન્દ્ર સાથે ગઈકાલની બેઠક બાદ અમે દિલ્હી પોલીસ સાથે શુક્રવારે વધુ એક બેઠક કરીશું.
સૂત્રોએ જણાવ્યું કે બુધવારે આ પ્રકારની એક બેઠક વિજ્ઞાન ભવનમાં ખેડૂત નેતાઓ અને દિલ્હી, હરિયાણા અને યુપી પોલીસ અધિકારીઓ વચ્ચે યોજાઈ હતી. પોલીસે ટ્રેકટર રેલી આઉટર રીંગરોડને બદલે કુંડલી-પલવલ એકસપ્રેસ વે પર યોજવા સલાહ આપી જેને ખેડૂતોએ નામંજૂર કરી હતી. પોલીસે કહ્યું કે આઉટર રિંગરોડ પર તે ટ્રેકટર રેલીને જરૂરી સુરક્ષા આપી શકે તેમ નથી.
એવી ચર્ચા છે કે નવા કૃષિ કાયદાને દોઢ વર્ષ સુધી સ્થગિત કરવાનો મોદી સરકારનો નિર્ણય મહત્ત્વનો બની રહેશે કારણ કે સરકારના આ પ્રસ્તાવથી ખેડૂત નેતાઓ વિચારણાં કરવા મજબૂર થયા છે. રર જાન્યુઆરીની 11મી બેઠકમાં આ પ્રસ્તાવ મંજૂર છે કે નહીં ? તેનો નિર્ણય લેશે. સંભાવના એવી પણ વ્યક્ત કરાઈ કે ર6 જાન્યુઆરી પહેલા જ મામલો ઉકેલાઈ જાય અને ખેડૂતો આંદોલન સમેટી લે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer