સેન્સેક્સ... પૂરે 50 હજાર !

સેન્સેક્સ... પૂરે 50 હજાર !
-કોરોના વેક્સિનેશન, બજેટ રાહતોની સંભાવના અને અમેરિકામાં બાઇડનરાજથી તેજી : ઐતિહાસિક ઘડી બાદ ઘટાડાથી 49,624 પર બંધ
 
રાજકોટ, તા.21 : કિતને પોઇન્ટ હુઆ સેન્સેક્સ...? પૂરે પચાસ હજાર. શોલેનો આ ડાયલોગ અત્યારે શેરબજારને બંધ બેસે  છે. જે ઘડીની આતુરતાથી રાહ જોવાતી હતી તે આજે આવી ગઈ હતી. સેન્સેક્સ 30 વર્ષની સફર બાદ એક હજારમાંથી પચ્ચાસ હજારની ઐતિહાસિક સપાટીને સ્પર્શી ગયો હતો. જોકે નફારૂપી વેચવાલીને લીધે 50 હજાર ઉપર બંધ રહેવામાં સફળ થયો ન હતો. આગલા દિવસની તુલનાએ 392 પોઇન્ટની તીવ્ર તેજીમાં 50184 ની ટોચ મેળવાઇ હતી. જોકે એ પછી 786 પોઇન્ટનો કડાકો સર્જાતા અંતે સેન્સેક્સ 167 પોઇન્ટ ઘટીને 49624 ના સ્તરે હતો. નિફટી 54 પોઇન્ટ ઘટીને 49590ની સપાટીએ બંધ થયો હતો. બ્લુચીપ જ નહીં સ્મોલ અને મિડકેપ શેરોમાં પણ અત્યારે લાવ લાવ છે. રોકાણકારો પણ 50 હજારની સફરમાં ખૂબ કમાયા છે.
કોરોના મહામારી અને માર્ચ મહિનાના અંતે લોકડાઉન પછી સેન્સેક્સ પડી ભાંગ્યો હતો. જોકે એ પછી તેજી નોંધાવવામાં પાછું વળીને જોયું નથી. માર્ચના કડાકામાં સેન્સેક્સ 25,639 થઇ ગયો હતો. જોકે એ પછી બમણો વધારો થયો છે. કોરોનાના કેસની ટકાવારી કરતા સેન્સેક્સની તેજીની ટકાવારી ઉંચી રહી છે.
દસ જ મહિનામાં શેરબજારમાં જેટલો ઉછાળો આવ્યો છે તે ઇતિહાસ બની ગયો છે. એટલું જ નહીં 40 હજારથી 50 હજારની સપાટી સુધીની સફર ફક્ત ત્રણ મહિનાથી ઓછાં સમયમાં થઇ છે. લોકડાઉન વખતની મંદી અને અત્યારની તેજીમાં સેન્સેક્સ જે રીતે વધ્યો છે તે વિશ્વબજારના તમામ ઇન્ડેક્સમાં સૌથી ઝડપી છે.
માર્ચની મંદી પછી જાન્યુઆરીની તેજી વિદેશી સંસ્થાકિય રોકાણકારોના ભારતમાં આવતા અવિરત નાણાપ્રવાહને આભારી છે. લોકડાઉન પછી કોર્પોરેટસની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. વળી, સુસ્ત પડેલી માગ હવે પૂર્વવત થતા તેજીને બળ મળ્યું છે. દુનિયાભરના અર્થતંત્રોમાં આવેલી મંદી પછી મોટા મોટાં નાણાકીય પેકેજ જાહેર થયા છે. એ કારણે રોકડની તરલતા એકદમ વધી ગઇ છે. હવે અમેરિકાનું પેકેજ જાહેર થવાનું છે. એ 1.9 ટ્રીલીયન ડોલરનું છે. ભલે એનાથી ફુગાવો વધવાનો ભય છે પણ અર્થતંત્રમાં ફરીથી મોટાંપાયે નાણા આવશે. ભારતમાં આવતા મહિને અંદાજપત્ર છે. એમાં પણ કોર્પોરેટ અને કંપનીઓને ઉપયોગી જાહેરાત થાય તેવી શક્યતા છે. સરકાર પણ કોઇ પેકેજ જાહેર કરે તો સેન્સેક્સને આવનારા સમયમાં પણ લાભ મળે તેમ છે.
શેરબજારની તેજીને કોરોના વેક્સિન કોવિશીલ્ડ પછી વધુ ફાયદો થયો છે. 16મી જાન્યુઆરીથી રસીકરણ શરું થઇ ચૂક્યું છે. અધૂરામાં પુરું કોરોનાના કેસ પણ સાવ ઘટી જતા અર્થતંત્રમાં તેજીના ચિહનો મળી રહ્યા છે. તેની ચમક શેરબજાર પર સાફ દેખાય છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer