કોંગ્રેસનું સુકાન ગેહલોતને સોંપાશે ?

કોંગ્રેસનું સુકાન ગેહલોતને સોંપાશે ?
સોનિયાના નિકટના નેતા પર કળશ ઢોળવા મંથન
નવી દિલ્હી, તા. 21 : રાહુલ ગાંધીનાં રાજીનામાં બાદથી જ કોંગ્રેસમાં કાયમી અધ્યક્ષનું પદ ખાલી પડયું છે. સોનિયા ગાંધી વચગાળાના અધ્યક્ષ છે. અનેક બેઠકો પછી પણ પક્ષને સ્થાયી નેતૃત્વ નથી મળ્યું ત્યારે એક અહેવાલ અનુસાર અશોક ગેહલોતનું નામ સામે આવ્યું છે.
એવા વાવડ મળે છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અને સોનિયાના નિકટના નેતા ગેહલોતને કોંગ્રેસનું સુકાન સોંપવા વિચારણા કરાઇ રહી છે.
વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે, અત્યારે પક્ષને સ્થાયી અધ્યક્ષની સખત જરૂર છે ત્યારે સોનિયા જ કાયમી માટે જવાબદારી સંભાળી લે અથવા કોઇ વરિષ્ઠ નેતા તૈયાર થાય.
અશોક ગેહલોત ગાંધી પરિવારના ખૂબ જ વિશ્વસનીય અને નિકટના નેતા મનાય છે. સોનિયા પણ તેમના પર ઘણો ભરોસો કરે છે.
રાજસ્થાનમાં ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસના મુખ્યપ્રધાન તરીકે રાહુલે સચિન પાયલટનાં સ્થાને ગેહલોતને મહત્ત્વ આપ્યું ત્યારે પણ એ વાત સાબિત થઇ હતી.
અશોક ગેહલોત પક્ષમાં જૂના અને નવા સભ્યો વચ્ચે તાલમેલ બેસાડવામાં માહેર છે. અત્યારે તો ગેહલોત તેમનાં મંત્રી મંડળના વિસ્તારમાં વ્યસ્ત છે.
બિહાર ચૂંટણીમાં હાર બાદ પણ કોંગ્રેસમાં આંતર કલેહ બહાર આવ્યો હતો. વીતેલા વર્ષે 23 વરિષ્ઠ નેતાએ નેતૃત્વ અંગે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer