ભારતમાં બરબાદ થઈ રહ્યા છે કોરોના રસીના ડોઝ

ભારતમાં બરબાદ થઈ રહ્યા છે કોરોના રસીના ડોઝ
મહારાષ્ટ્ર, આસામ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી સામે આવ્યા બનાવ : અપેક્ષિત સંખ્યામાં લોકો હાજર ન રહેતા થઈ રહેલો બગાડ
નવી દિલ્હી, તા. 21 : પુરી દુનિયામાં કોરોના વાયરસના કહેર બાદ હવે રસીકરણની કવાયત ચાલી રહી છે. ભારતમાં પણ રસીકરણની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. દેશમાં અત્યારસુધીમાં સાત લાખથી વધારે લોકોને કોરોના રસી આપવામાં આવી છે. જો કે દેશમાં ઘણા સ્થળોએ રસીના ડોઝ બરબાદ થવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે. દેશના 6 રાજ્યોમાં રજીસ્ટ્રેશનના મુકાબલે ઓછી સંખ્યામાં લોકો રસીકરણ કેન્દ્રએ પહોંચી રહ્યા હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓના કહેવા પ્રમાણે સ્થિતિ સુધરશે નહી તો મોટા પ્રમાણમાં કોરોના રસીનો સ્ટોક બરબાદ થઈ શકે છે. એક અહેવાલ પ્રમાણે ગ્વાલિયર, મહારાષ્ટ્રમાં 22 ડોઝ, આસામમાં 1000 જેટલા ડોઝ અને પંજાબમાં 156 ડોઝ બરબાદ થયા હતા. રાજસ્થાનમાં પણ 622 જેટલા ડોઝ ખરાબ થયાના અહેવાલ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે રસીની એક બોટલ ખુલ્યા બાદ 10 લોકોને કોરોના રસી આપી શકાય છે. આ ડોઝ ખુલ્યા બાદ અમુક સમય સુધી જ પ્રભાવિત રહે છે. જો સમય ઉપર રસી લેનારા લોકો હાજર ન રહે તો તે ખરાબ થાય છે. આ જ કારણથી રસીકરણ કેન્દ્રએ અપેક્ષિત સંખ્યામાં લોકો પહોંચી રહ્યા ન હોવાથી રસીનો ડોઝ બરબાદ થઈ રહ્યો છે. રસીની બોટલ ખોલ્યા બાદ માત્ર 4 કલાક જ અસરકારક રહે છે.
---------------
બીજાં ચરણમાં ખુદ મોદી રસી લેશે
ભારતમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન છેડાઇ ચૂક્યું છે ત્યારે તેના બીજા ચરણમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રસી લેશે. સાથોસાથ રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ રસી અપાશે. એવું જાણવા મળ્યું છે કે, દેશની સામાન્ય જનતાને પણ રસી પર વિશ્વાસ બેસે તેવા આશય સાથે ખુદ વડાપ્રધાને જાતે રસી લેવાની પહેલ કરી છે. હકીકતમાં રસીકરણ અભિયાનમાં બીજા દોરમાં 50 વર્ષથી વધુ વયવાળા લોકોને રસી આપવાની છે ત્યારે 50 વર્ષથી મોટી વયના નેતાઓને રસી અપાશે. બીજા ચરણની નિયત મર્યાદા હેઠળ દેશના 75 ટકા સાંસદ, ભારત સરકારના 95 ટકાથી વધુ કેબિનેટ મંત્રી, 76 ટકાથી વધુ મુખ્યમંત્રી તેમજ લગભગ 82 ટકા રાજ્યમંત્રી આવરી શકાશે.
----------------
ભારતમાં સંક્રમિતો  1.06 કરોડને પાર
ભારતમાં ગુરુવારે પાછા વધારા સાથે 15,223 નવા કેસ સામે આવતાં કુલ્લ સંક્રમિતોની સંખ્યા 1.06 કરોડને પાર થઇ 1,06,10,883 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં વધુ 151 દર્દીને કોરોના ભરખી ગયો છે. દેશમાં કુલ્લ મરણાંક 1,52,869 પર પહોંચી ગયો છે. કોરોનાથી મૃત્યુનો દર 1.44 ટકા પર સ્થિર છે. લાંબા સમયથી દરરોજ થતા મૃત્યુનો આંક 200થી નીચે રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 19,965 સંક્રમિતો વિશ્વભરમાં ફેલાયેલા વાયરસના સકંજામાંથી મુકત થતાં કુલ્લ 1 કરોડ, બે લાખ 65,706 સંક્રમિત કોરોના સામે જંગ જીતી ચૂકયા છે.
--------------
રસી ખરીદવા ખિસ્સા ફંફોસી રહ્યું છે પાકિસ્તાન
નવી દિલ્હી, તા. 21 : એક તરફ ભારત તરફથી ઘણા પાડોશી દેશોમાં કોરોના વેક્સિનની પહેલી ખેપ પહોંચાડી દેવામાં આવી છે અને ત્યાંની સરકારો પોતાના લોકોને રસી આપવાની કવાયત કરી રહી છે. તેવામાં એક પાડોશી દેશ એવો પણ  છે જેને પોતાની કરતૂતોના કારણે રસી મળી શકી નથી અને કંગાળ હાલતના કારણે રસી ખરીદવાની હિંમત પણ એકત્રિત થઈ રહી નથી. આ દેશ અન્ય કોઈ નહી પણ પાકિસ્તાન છે. આતંકી પ્રવૃતિઓમાં હંમેશા સક્રિય પાકિસ્તાને ભારતમાં તૈયાર રસી કોવિશીલ્ડને મંજૂરી તો આપી છે પણ હજી રસી મેળવી શક્યું નથી. પ્રાઈવેટ સેક્ટરમાંથી રસી મગાવવા માટે પાકિસ્તાન અત્યારે પોતાના ખિસ્સા ફંફોસી રહ્યું છે. પાકિસ્તાની અખબાર ડોનના એક અહેવાલ મુજબ પ્રાઈવેટ આયતકારોએ પાકિસ્તાની સરકારને કહ્યું છે કે ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા અને સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા તરફથી તૈયાર રસીના પ્રતિ ડોઝ કિંમત 6થી 7 ડોલર હશે. એટલે કે પાકિસ્તાની ચલણ પ્રમાણે 1000 રૂપિયા કિંમત થશે. અત્યારે પાકિસ્તાની સ્થિતિ એવી છે કે લોન ન ચૂકવી શકવાના કારણે તેના વિમાન પણ વિદેશી ધરતી ઉપર જપ્ત થઈ રહ્યા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer