પ લાખ પ્રવાસી ભારતીયોને અમેરિકા આપશે નાગરિકત્વ

પ લાખ પ્રવાસી ભારતીયોને અમેરિકા આપશે નાગરિકત્વ
પહેલા દિવસે જ ટ્રમ્પના 8 નિર્ણયો પલટી નાંખતા બાઈડેન
વોશિંગ્ટન, તા.ર1 : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને સત્તા સંભાળ્યાના પહેલા દિવસથી જ એકશન મોડમાં આવી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અનેક વિવાદીત નિર્ણયો પલટાવાનું શરૂ કર્યું છે. વીઝા, માસ્ક, જળવાયુ પરિવર્તન, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, મેક્સિકો સરહદે દિવાલ, વિદ્યાર્થી લોન સહિત આઠેક જેટલા નિર્ણયો પર ટ્રમ્પના આકરાં નિર્ણયો બદલી નાખ્યા છે.
કાર્યભાર સંભાળતાની સાથે બાઈડેને વીઝા નીતિ અંગે કાર્યકારી આદેશ જારી કર્યો છે જેથી પ લાખ ભારતીયો સહિત કુલ 1.1 કરોડ એવા પ્રવાસીઓને ફાયદો થશે જેમની પાસે અમેરિકામાં કોઈ કાનૂની દસ્તાવેજ નથી. શપથગ્રહણ  કર્યા બાદ બાઈડેને સૌપહેલા વીઝા નીતિનો મામલો હાથ પર લેતાં ટ્રમ્પનો વિવાદાસ્પદ નિર્ણય બદલી નાખ્યો છે. રાષ્ટ્રપતિએ અમેરિકી કોંગ્રેસને આગ્રહ કર્યો 1.1 કરોડ ગેરકાયદે પ્રવાસીઓને સ્થાયી દરજ્જો અને નાગરિકતાનો રસ્તો નક્કી કરવા કાયદો ઘડવામાં આવે. બાઈડનનું આવું વલણ ટ્રમ્પની નીતિથી વિપરીત છે. રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી પ્રચાર વખતે બાઈડને ટ્રમ્પની વીઝા નીતિને અમેરિકી મૂલ્યો પર કઠોર હુમલા સમાન ગણાવી હતી. ટ્રમ્પના શાસનમાં 1.1 કરોડ ગેરકાયદે પ્રવાસીઓની હકાલપટ્ટીનો સતત ભય ઉભો થયો હતો. વર્ષ ર017માં ટ્રમ્પે 7 મુસ્લિમ બહુમતવાળા દેશો પર પ્રતિબંધ મૂકયો હતો. જેને પલટાવી નાંખતા બાઈડેને આ દેશોના નાગરિકોને વીઝા આપવાની પ્રક્રિયા શરૂ કરવા આદેશ આપ્યો છે.
----------
વ્હાઈટ હાઉસ સ્ટાફને ચેતવણી આપતાં બાઈડેન
અમેરિકાના રાષ્ટ્રપતિ પદે સત્તારૂઢ થતાં જો બાઈડને જરૂરી સુધારાની શરૂઆત પોતાના સત્તાવાર નિવાસ સ્થાન વ્હાઈટ હાઉસથી કરી છે. રાષ્ટ્રપતિ તરીકે શપથગ્રહણ કર્યા બાદ વ્હાઈટ હાઉસના સ્ટાફને કડક શબ્દોમાં સંદેશો આપ્યો કે મેં સાંભળ્યુ છે કે તમે ઉદ્ધતાઈથી વાત કરો છો. હું મજાક નથી કરી રહ્યો, જો મારા સ્ટાફે કોઈની સાથે ઉદ્ધતાઈથી વાત કરી તો તેને તુરંત સસ્પેન્ડ કરી નાખશે. હું ઈચ્છુ છુ કે સ્ટાફે અન્યોનું સમ્માન કરવું પડશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer