જૂનાગઢ, તા.21: જૂનાગઢનાં સેંકડો લોકોના કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવનાર પોસ્ટના એજન્ટ પિતા-પુત્રને પોલીસે સાત દિવસના રિમાન્ડ ઉપર મેળવી નાણાનું રોકાણ, ડુપ્લિકેટ સર્ટિફિકેટ ક્યાંથી બનાવ્યા ઉપરાંત અન્ય સ્થળે મિલકત છે કે કેમ ? તે દિશામાં તપાસ હાથ ધરી છે. જૂનાગઢ પોસ્ટના એજન્ટ ભરત નારણ પરમાર તથા તેના પુત્ર તુષારે જૂનાગઢ શહેરના સેંકડો લોકોને પોસ્ટની નકલી પાસબુક તથા ફિક્સના બોગસ સર્ટિફિકેટ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી નાસી ગયા હતા. તેને 20 દી’ બાદ પાક સરહદેથી ઝડપી લીધા હતા. આ ઠગ પિતા - પુત્રને તપાસનીશ અધિકારી બોદરે 14 દી’ના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા 7 દી’ના પોલીસ રીમાન્ડ ઉપર સોંપવામાં આવેલ છે. આ બન્નેએ નાણા ક્યાં ચૂકવ્યા તે સહિતની માહિતી એકત્ર કરાશે.