9 લેપટોપ, કોમ્પ્યુટર, 9 મોબાઈલ સહિત રૂ.1.76 લાખનો મુદ્દામાલ કબજે
મોરબી, તા.ર1 : માળિયા મિયાણા તાબેના મોટીબરાર ગામે યુ.કે.ના નાગરિકોને ટેકસ બાકી હોવાની ધમકીર્ભો ફોન કરી કોલસેન્ટર ચલાવતા અમદાવાદના શખસ-યુવતી સહિત નવ વ્યક્તિને પોલીસે ઝડપી લઈ રૂ.1.76 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મોટી બરાર પાસે આવેલા પેટ્રોલપંપ પાસેના એક બીલ્ડિંગમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ધમધમતું હોવાની બાતમીના આધારે માળિયા પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડયો હતો અને કોલસેન્ટરમાંથી સૂત્રધાર અમદાવાદના વિકાસ સરુન્દ્ર ત્યાગી, મીરેશ જયેશ શાહ, જીતુ સબાસ્ટીન જ્યોર્જ, નરેન્દ્રસીંગ ચેનસીંગ રાઠોડ, ઉમેશ હરેશકુમાર હીરાનંદાની, રાજેશ રુબન ટોપન, આકાશ યશવંતકુમાર રાવલ, કૌશલ કિરીટ પટેલ અને રીમા દિનેશ સોલંકી સહિતનાને ઝડપી લીધા હતા. પોલીસે ગેરકાયદેસર કોલસેન્ટરમાંથી નવ લેપટોપ, એક કોમ્પ્યુટર, ત્રણ મોબાઈલ, એક રાઉટર સહિત રૂ.1.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બોગસ કોલ સેન્ટર ચલાવતી ટોળકી દ્વારા આઈ.બી.એમ. સોફટવેરનો ઉપયોગ કરી યુ.કે.ના નાગરિકોને ફોન કરી ટેકસ બાકી હોવાનું જણાવી પાઉન્ડ પડાવવામાં આવતા હતા. પોલીસે તપાસ અર્થે યુવતી સહિત નવ શખસોને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.