સુરત, તા.ર1 : સુરતમાં કેનાલ રોડ પર હંસરાજ પ્લેટેનિયમ માર્કેટમાં રહેતા અને ઉધના દરવાજા પાસેની ઈન્ડસઈન્ડ બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતા પાવનકુમાર રસેસ બુચે સલાબતપુરા પોલીસ મથકમાં ઘનશ્શયામ ગોવિંદ ચાલોડિયા, સંગીતા ઘનશ્યામ ચાલોડિયા, હિતેષ વ્રજલાલ કાપડિયા, જગદીશ કનુ ગોંડલિયા, વિજય મકોડ ઢોલિયા, હરીશ લાલજી ધોળકિયા, રાજેશ લાલજી ધોળકિયા, આનંદકુમાર રામપ્યારે પ્રસાદ અને ઈર્શાદ પઠાણ સહિતનાએ બોગસ દસ્તાવેજો બનાવી લોન લઈ રૂ.1.9પ કરોડની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
આ મામલે પોલીસે હાથ ધરેલી તપાસમાં ઘનશ્યામ ચાલોડિયા સહિતના શખસોએ અશોક લેલેન્ડ અને ટાટા મોટર્સમાંથી ઉત્પાદન ન કરવામાં આવેલા છ વાહનોને હયાત બતાવી બોગસ દસ્તાવેજો અને વીમા પોલીસીઓ રજૂ કરી ખોટી રીતે રૂ.97 લાખની લોન લઈ લીધી હતી અને થોડા હપ્તા ભર્યા હતા. બાદમાં બેંકના લોન એગ્રીમેન્ટ મુજબ વ્યાજ સહિતના રૂ.1.0પ કરોડની બેંકલોનની ભરપાઈ નહીં કરી બેંક સાથે ઠગાઈ કરી હતી.પોલીસે દંપતી સહિત નવ શખસોની શોધખોળ શરૂ કરી હતી.