ઝાલાવડ પંથકમાં અકસ્માતના 4 બનાવમાં 4 મૃત્યુ, એક ઈજાગ્રસ્ત

વઢવાણ, તા.21: ઝાલાવડ પંથકમાં અકસ્માતના 4 બનાવમાં 4 વ્યક્તિનાં મૃત્યુ નીપજ્યાં હતાં. જેમાં વઢવાણ જીઆઈડીસી તથા શહેરના કોઠારિયા રોડ પર 1-1 તેમજ સાયલાના શાપર પાસે અને સોમાસર ગામ નજીક જીવલેણ અકસ્માત સાર્જાયા હતા.
વઢવાણ તાલુકાના વાયેલા ગામના ગણપતભાઈ રામજીભાઈ ગોસ્વામીનો મોટો દીકરો 20 વર્ષનો અમીત વઢવાણ જીઆઈડીસીમાં આવેલા સુપર એલોટો કારખાનામાં મજૂરીકામ કરતો હતો. તે નિત્યક્રમ મુજબ વાયેલાથી બાઇક લઇને બુધવારે કારખાને આવતો હતો. તે દરમિયાન વઢવાણથી અડધો કિ.મી.દૂર સફેદ કલરની કારના ચાલકે બાઇકને ટક્કર મારી નાસી છૂટયો હતો. જેનાથી ગંભીરરીતે ઇજાગ્રસ્ત થયેલા અમીતને સરકારી હોસ્પિટલે લઈ જવાતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. સાયલાના શાપર ગામ પાસે ચોટીલાના નવા ગામના આધેડ રબારી બેચરભાઈ હામાભાઈ વ્યવસાયિક કામ બાબતે બાઇક લઇને જતા હતા ત્યારે રાજકોટથી અમદાવાદ જતી બસે સ્ટિયરિંગ ઉપરનો કાબૂ ગુમાવતા બાઇક ચાલકને અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલ બેચરભાઈને સાયલા દવાખાને લઈ જવાતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. 
સોમાસર ગામના લાલદાસભાઈ રામકૃષ્ણદાસ દુધરેજિયા પોતાના મિત્ર દીપસંગભાઈ ભીખુભાઈ રાજપૂતને લઇને ગુંદીયાળા ગામે મૂકવા જતા હતા ત્યારે વખતપર ગામના બોર્ડ પાસે અચાનક બાઇક સ્લીપ થઇ જતા બન્ને યુવાનો રોડ ઉપર પટકાયા હતા. જેમાં લાલદાસને પાછળ આવતા અજાણ્યા વાહનચાલકે લાલદાસભાઈને ઠોકર મારતા ગંભીર ઇજા થતા લાલદાસનું મૃત્યુ નીપજ્યું હતું. વઢવાણ તાલુકાના કોઠારિયા રોડ ઉપર શ્રીરામ પેપર મીલ્સ પાસે ટ્રક નં. જીજે 10 ટીસી 7710માં પંચર પડતા ડ્રાઇવર અનીસ સુમરા તે રીપેર કરી રહ્યો હતો ત્યારે ડમ્પર નં. જીજે 13 એટી 10 878 ઘૂસી જતા અકસ્માત થતા ડ્રાઇવર અનીસનું મૃત્યુ થયું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer