ભારતની જીત પર પુજારાની પુત્રી અદિતિ ઝૂમી ઉઠી
રાજકોટ, તા.21: બ્રિસ્બેનનાં મેદાનમાં ભારતીય ક્રિકેટ ટીમે ઐતિહાસિક વિજયના યોદ્ધા અને દીવાલ ચેતેશ્વર પુજારાનું માદરે વતન રાજકોટ ખાતે આવતીકાલે શુક્રવારે આગમન થશે. તે દુબઇ થઇને રાજકોટ આવી રહ્યો છે. ચેતેશ્વર પુજારાના પિતા અરાવિંદભાઈ પુજારાએ જણાવ્યું હતું કે, ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝની સાથોસાથ 32 વર્ષનો ગાબા સ્ટેડિયમનો જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. બ્રિસ્બેનમાં આપણે જે જીત મેળવી છે તે ઐતિહાસિક જીત છે. આ સિરીઝમાં સૌથી વધુ બોલ ચેતેશ્વર પૂજારાએ ફેસ કર્યા તે ખૂબ જ મહત્ત્વનું છે. 2018-19 અને ત્યાર બાદ હવે 2020- 2021માં જે પ્રકારે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે તે ખૂબ જ મહત્ત્વનું છે. ગઈકાલે જ્યારે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે વિજય મેળવ્યો ત્યારે અમારાં ઘરમાં પણ ખૂબ ખુશીનો માહોલ છવાયેલો હતો. મારી પૌત્રી અદિતિ પણ ક્રિકેટ ટીમની જીતથી ખુશ ખુશાલ થઈ ઝૂમી ઉઠી હતી. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનાં બહેન નયનાબા જાડેજાએ ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમે જે જીત મેળવી છે તે અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વિદેશી ધરતી પર જે પ્રકારે ભારતીય ટીમે જે પ્રદર્શન દેખાડયું છે તે ખરેખર કાબિલે તારીફ છે. ટીમના દરેક ખેલાડી એ પોતાનું બેસ્ટ આપ્યું છે તેનાં કારણે ભારતીય ટીમ શ્રેણી જીતી શકી છે. રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટના ચેતેશ્વર પુજારાએ દરેક ટેસ્ટ મેચની માફક આ ટેસ્ટ મેચમાં પણ અડીખમ ઊભા રહી ટીમ ઇન્ડિયાને જીત અપાવવા માટે પોતાનું બેસ્ટ આપ્યું છે.
ધ વોલનાં આજે આગમન પર ઉત્સવનો માહોલ
