વિમાની મથકથી સિરાઝ સીધો જ પિતાની કબર પર પહોંચ્યો

વિમાની મથકથી સિરાઝ સીધો જ પિતાની કબર પર પહોંચ્યો
હૈદરાબાદ, તા.21: ટીમ ઇન્ડિયાના યુવા અને પ્રતિભાશાળી ઝડપી બોલર મોહમ્મદ સિરાઝ ઓસ્ટ્રેલિયાથી અહીં પહોંચ્યા બાદ સીધો જ તેના પિતાની કબર પર પહોંચ્યો હતો. ઓસ્ટ્રેલિયાના 63 દિવસના લાંબા પ્રવાસ દરમિયાન સિરાઝના પિતાનું નિધન થયું હતું, પણ આ દિલેર બોલરે હિંમત ગુમાવી નહીં અને શ્રેણીના 3 ટેસ્ટમાં 13 વિકેટ લીધી.
સિરાઝ આજે સવારે હૈદરાબાદના રાજીવ ગાંધી વિમાની મથકેથી સીધો જ ખૈરતાબાદના કબ્રસ્તાન પહોંચ્યો હતો. જ્યાં તેણે પોતાના મહૂર્મ પિતા મોહમ્મદ ગોસની કબર પર ફૂલ ચઢાવ્યા હતા. સિરાઝના પ3 વર્ષીય પિતા ઓટો ચાલક હતા. 20 નવેમ્બર-2020ના ફેંફસાની બીમારીને લીધે તેમનું નિધન થયું હતું. ત્યારે સિરાઝ ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમ સાથે હતો અને ત્યાં જ રહેવાનો કઠોર નિર્ણય લીધો હતો. સિરાઝ જ્યારે સિડનીમાં નેટ પ્રેકટીસ કરી રહ્યો હતો ત્યારે તેના પિતાના મૃત્યુના સમાચાર મળ્યા હતા. કોચ શાત્રી અને કપ્તાન કોહલીએ તેને આ દુ:ખદ સમાચાર આપ્યા હતા. જો કે તેણે સ્વદેશ પરત ફરવાના બદલે ટીમ સાથે જ રહેવાનો નિર્ણય લીધો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer