મુંબઇ વિમાની મથકે ચાહકો ઉમટી પડયા: હાર-તોરા અને નાચ-ગાનથી ખેલાડીઓ ભાવવિભોર
મુંબઇ / નવી દિલ્હી, તા.21 : ઓસ્ટ્રેલિયા સામેના ઐતિહાસિક વિજય બાદ કાર્યવાહક કપ્તાન અજિંકય રહાણે આજે જયારે બીજા કેટલાક સાથી ખેલાડીઓ સાથે સ્વદેશ પહોંચ્યો તો ચાહકોએ ‘આલા રે આલા અજિંકયા આલા’ના નારા સાથે તેને વધાવી લીધો હતો. કપ્તાન રહાણે અને કોચ રવિ શાત્રી સાથે કેટલાક ખેલાડીઓ આજે ગુરુવારે મુંબઇ વિમાની મથકે પહોંચ્યા ત્યારે તેમનું જોરદાર સ્વાગત કરાયું હતું. વિમાની મથકે હાર-તોરા થયા હતા અને નાચ-ગાન પણ જોવા મળ્યા હતા. રહાણેના નિવાસસ્થાનના પરિસરમાં ઢોલ-નગારા સાથે સ્વાગત થયું હતું. તે જયારે લાલ કાર્પેટ પર આગળ વધ્યો ત્યારે તેના પર પુષ્પવર્ષા થઇ હતી.
રહાણે ઉપરાંત કોચ રવિ શાત્રી, સ્ટાર બેટસમેન રોહિત શર્મા, ઝડપી બોલર શાર્દુલ ઠાકુર અને પૃથ્વી શો આજે મુંબઈ પહોંચ્યા હતા. જયારે બ્રિસબેન ટેસ્ટના હિરો ઋષભ પંત દિલ્હી પહોંચ્યો હતો. નટરાજન બેંગ્લોર પહોંચીને ત્યાંથી તેના ગામ સાલેમ પહોંચ્યો હતો. અશ્વિન, વોશિંગ્ટન સુંદર અને બોલિંગ કોચ ભરત અરૂણ દુબઇમાં છે. તેઓ શુક્રવારે સ્વદેશ પહોંચે તેવી સંભાવના છે. રહાણેએ જીતની ખુશીમાં સાથી ખેલાડીઓ સાથે કેક કાપીને ઉજવણી કરી હતી.
સાત દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવાની સલાહ
ઓસ્ટ્રેલિયાના લાંબા પ્રવાસ પરથી સ્વદેશ પહોંચેલા ભારતીય ખેલાડીઓને આવતા સાત દિવસ સુધી ક્વોરન્ટાઇનમાં રહેવાની સલાહ મળી છે. ખાસ કરીને મુંબઇ પહોંચેલા ખેલાડીઓને સાત દિવસ સુધી જાહેર સંપર્કમાં ન આવવાની અપીલ કમિશનર ઇકબાલ સિંહે કરી છે.
પંતનું દિલ્હી વિમાની મથકે જોરદાર સ્વાગત
ગાબાના મેદાન પરની ભારતની ઐતિહાસિક જીતના હિરો ઋષભ પંતનું દિલ્હી વિમાની મથકે જોરદાર સ્વાગત કરાયું હતું. પંતે નિર્ણાયક ટેસ્ટના આખરી દિવસે 89 રનની યાદગાર ઇનિંગ રમી હતી. વિમાને મથકે તેણે જણાવ્યું હતું કે હું ઘણો ખુશ છું કે અમે બોર્ડર-ગવાસ્કર ટ્રોફી જાળવી રાખી. જે રીતે અમે શ્રેણીમાં રમ્યા એથી તમામ ખેલાડીઓના ચહેરા પર અલગ જ ખુશી જોવા મળી રહી છે.ઓસ્ટ્રેલિયાના લાંબા પ્રવાસ પરથી સ્વદેશ પહોંચેલા ભારતીય ખેલાડીઓને આવતા સાત દિવસ સુધી ક્વોરન્ટાઇનમાં રહેવાની સલાહ મળી છે. ખાસ કરીને મુંબઇ પહોંચેલા ખેલાડીઓને સાત દિવસ સુધી જાહેર સંપર્કમાં ન આવવાની અપીલ કમિશનર ઇકબાલ સિંહે કરી છે.
આલા રે આલા અજિંક્યા આલા ખેલાડીઓનું ઉમળકાભેર સ્વાગત
