રાજકોટમાં કોલ સેન્ટરની આડમાં ઠગ ટોળકી ઝડપાઇ

રાજકોટમાં કોલ સેન્ટરની આડમાં ઠગ ટોળકી ઝડપાઇ
મુખ્ય સૂત્રધાર ધોરાજીના ત્રણ શખસ-ચાર યુવતી સહિત 7 પકડાયા : રૂ. 99 હજારનો મુદ્દામાલ કબજે
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.1પ : રાજકોટમાં પારસી અગિયારી ચોકમાં આવેલા સ્ટાર પ્લાઝા બીલ્ડિંગમાં ચોથા માળે કોલ સેન્ટરના ઓઠા હેઠળ દેશભરના લોકોને ફોરેક્ષ ટ્રેડીંગના નામે છેતરવાના બે માસથી ચાલતા કૌભાંડનો ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો હતો અને ધોરાજીના ત્રણ શખસો અને ચાર યુવતી સહિત સાત વ્યક્તિઓને ઝડપી લઈ રૂ. 99 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સૂત્રધાર ત્રિપુટી સહિત સાતેયને ત્રણ દિવસના રિમાન્ડ પર મેળવી સમગ્ર પ્રકરણના અંકોડા મેળવવા દોડધામ શરૂ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે મૂળ ધોરાજીના અને હાલમાં રૈયા રોડ પરના નહેરુનગરમાં રહેતા લતીફ ઈરશાદ નરીવાલા, મૂળ ધોરાજીના અને રૈયા રોડ પરના નહેરુનગરમાં રહેતા આમીર અમીન નરીવાલા, મૂળ ધોરાજીના અને હાલમાં રૈયારોડ પરના નહેરુનગરમા રહેતા નશરુલ્લાહ  અસ્પાક પારુપિયા નામની ત્રિપુટી દ્વારા પારસી અગિયારી ચોક પાસેના સ્ટાર પ્લાઝા બીલ્ડિંગમાં ચોથા માળે આવેલી ઓફિસમાં કોલ સેન્ટરના ઓઠા હેઠળ દેશભરના લોકોને ફોરેક્ષ ટ્રેડીંગના નામે ઠગાઈ કરવામાં આવતી હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચના પીઆઈ. વી.કે. ગઢવીના માર્ગદશન હેઠળ  પોસઈ. એચ.બી. ધાંધલ્યા, રાજુભાઈ બાળા, રઘુભા વાળા, શક્તિસિંહ ગોહિલ, પદુભા જાડેજા, સુભાષભાઈ, સિધ્ધરાજસિંહ સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો અને લોકો સાથે ઠગાઈ કરતી ટોળકીના સૂત્રધાર લતીફ ઈરશાદ નરીવાલા, આમીર અમીન નરીવાલા, નશરુલ્લાહ અસ્પાક પારુપિયા તથા ટેલીકોલર તરીકે નોકરી કરતી મૂળ ભાવનગરની અને હાલમાં પંચનાથ પ્લોટમાં હોસ્ટેલમાં રહેતી કાજલ ભરત મકવાણા, લાલપુરના હર્ષદપુર ચોકડી પાસે રહેતી અને હાલમાં રોયલ પાર્કમાં ઘનશ્યામ હોસ્ટેલમાં રહેતી અને ટેલીકોલર તરીકે નોકરી કરતી કોમલ હરેશ પ્રાગડા, નવાગામમાં મફતિયાપરામાં રહેતી અને ટેલીકોલર તરીકે નોકરી કરતી પૂજા રસીક સોલંકી અને જામનગરમાં મોરકંડા રોડ પર ગરીબનવાઝ પાર્ક-ર માં રહેતી અને ટેલીકોલર તરીકે કામ કરતી સાહીસ્તા વસીમ કુપીને ઝડપી લીધા હતા. પોલીસે ઓફિસમાંથી લેપટોપ, માઉસ, ચાર્જર, રાઉટર, 18 મોબાઈલ સહિત રૂ.99 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગે ક્રાઈમ બ્રાંચના પોસઈ એચ.બી. ધાંધલ્યાની ફરિયાદ પરથી સૂત્રધાર લતીફ નરીવાલા સહિત સાતેય વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી અને સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને વ્યવહારો સંદર્ભે સાતેયને વધુ તપાસ અર્થે ત્રણ દિવસના રિમાન્ડ પર લઈ વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી.
સંચાલક-1ર ધોરણ સુધી, સુપરવાઈઝર અને આસી. સુપરવાઈઝર ધોરણ-8 સુધી અભ્યાસ કરેલા
ફોરેક્ષ ટ્રેડીંગનો સૂત્રધાર ધોરાજીનો લતીફ નરીવાલા 1ર ધોરણ સુધી ભણેલ છે. તેમજ કોલ સેન્ટરનો સુપરવાઈઝર આમીર નરીવાલા અને કોલ સેન્ટરનો આસી. સુપરવાઈઝર નશરુલ્લાહ પણ ધોરણ-8 સુધી ભણેલ છે. ટેલીકોલર તરીકે નોકરી કરતી ચારેય યુવતીએ કોલેજ સુધીનો અભ્યાસ કરેલ છે અને રૂ.10 હજારના પગાર ચૂકવવામાં આવતો હતો. તેમજ કસ્ટમર દીઠ 10 ટકા કમીશન અલગથી આપવામાં આવતું હતું.
સૂત્રધાર એન્જલ બ્રોકીંગમાં નોકરી કરી ચૂકયો છે
સૂત્રધાર લતીફ અગાઉ સુરતમાં એન્જલ બ્રોકીંગમાં નોકરી ચૂકયો છે. જેના આધારે લતીફે બે માસ પહેલા ટેલીકોલર મેળવવા માટેથી જાહેરાત આપી હતી. તેમજ લતીફ અનુભવના આધારે સરળતાથી ડેટા મેળવી લેતો હોય સમગ્ર કૌભાંડ ચલાવતો હતો.
બેંક વ્યવહારોની તપાસ
સૂત્રધાર લતીફ સહિતની ત્રિપુટી અને કામ કરતી ચારેય યુવતીઓના બેંક ખાતા સંદર્ભે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ આ પ્રકરણમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલ છે અને અત્યાર સુધીમાં કેટલી વ્યક્તિઓ સાથે ઠગાઈ કરી નાણા ખંખેરી લેવામાં આવ્યા છે તે મામલે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------
કઈ રીતે કૌભાંડ આચરાતું હતું
સૂત્રધાર લતીફ નરીવાલા અને સાગરીતો દ્વારા ગૂગલ પ્લેસ્ટોરમાં ઈગલ ટ્રેડ અને ગ્લોબલ ટ્રેડ નામે બે એપ્લીકેશન બનાવડાવી તેનો ઉપયોગ કરી કોલ સેન્ટરમાં નોકરીએ રાખેલી યુવતીઓ મારફત શેરબજારમાં ડીમેટ ધરાવતા વ્યક્તિઓને ફોન કરી નંબરો ગેરકાયદેસર રીતે મેળવી તેના આધારે ફોન કરી તમે અમારી એપ્લીકેશનમાં ર00 થી પ00 ડોલર (ભારતીય રકમ રૂ.1પ થી 3પ હજાર)નું રોકાણ -ટ્રેડીંગ કરશો તો100 ટકા નફો મળશે તેવી લાલચ આપ્યા બાદ જે તે વ્યક્તિના મોબાઈલ એપ્લીકશનના એકાઉન્ટમાં જ નફો બતાવી જો આ રકમ ઉપાડવી હોય તો કમીશન પેટે રૂ.30 હજાર જમા કરાવવા પડશે તેમ કહી કમીશનની રકમ મેળવી લીધા બાદ કસ્ટમર વ્યક્તિનું એકાઉન્ટ બ્લોક કરી દઈ છેતરપિંડી કરવામાં આવતી હતી. દેશભરમાં અનેક નાગરિકો સાથે આ રીતે છેતરપિંડી કરવામાં આવી હોવાની આશંકાએ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer