રાજકોટના વીરનગરથી વડાળી સુધીની સફર કરનાર સિંહ ત્રિપુટી પાંજરે પુરાઈ
40 દિવસથી રાજકોટ તાલુકામાં વિહરતા અને 45 જેટલાં પશુનું મારણ કરનારા ત્રણ સિંહનું રેસ્ક્યૂ કરીને વન વિભાગની નર્સરીમાં લઈ જવાયા
રાજકોટ, તા.13: રાજકોટ જિલ્લાના વિરનગરથી તાલુકામાં પ્રવેશીને 40 દિવસથી જુદા જુદા વિસ્તારોમાં વિહાર કરનારી સિંહ ત્રિપુટીને અંતે પાંજરે પૂરવામાં આવી છે. આ ત્રણેય સિંહને વન વિભાગની નર્સરીમાં લઈ જવામાં આવ્યા છે. આ રેસ્ક્યૂ ઓપરેશન માટે ગીરથી વન ખાતાની ખાસ ટીમ પણ આવી હતી. આજે વહેલી સવારે ત્રણેય સિંહોને પાંજરે પૂરવામાં વન વિભાગ સફળ રહ્યું હતું. અલગ અલગ ત્રણ પાંજરામાં ત્રણેય સિંહને પૂરવામાં આવ્યા હતા.
ગીર જંગલના ત્રણ સિંહનું ગ્રુપ રાજકોટ જિલ્લાના વીરનગર ગામમાં સૌપ્રથમ જોવા મળ્યું હતું. બાદમાં હલેન્ડા, ત્રંબા અને કોટડાસાંગાણી પંથકમાં ધામા નાખ્યા હતા. કોટડાસાંગાણીના ભાયાસર ગામમાં જ ત્રણ સિંહે 15થી વધુ દિવસ સુધી ધામા નાખ્યા હતા. ભાયાસરની સીમમાં વન વિભાગે ત્રણેય સિંહને પકડવા ત્રણ પાંજરાં મૂક્યાં હતાં
અને આજે સફળતા મળી હતી. આ સિંહ થોડા દિવસ પહેલા જ આજીડેમ સુધી પહોંચ્યા હતા અને એક ગાયનું મારણ કર્યું હતું. બે દિવસ પહેલા જ વડાળી ગામમાં વાછરડીનું મારણ કર્યું હતું. વડાળીમાં છેલ્લા 7 દિવસથી ત્રણેય સિંહોએ ધામા નાખ્યા હતા. ત્રણ સિંહના ગ્રુપે છેલ્લા 40 દિવસમાં 45થી વધુ પશુઓનું મારણ કર્યું છે. આ ત્રણેય સિંહો રાત્રે મારણ કરતા હતા અને દિવસે આરામ કરતા હતા.
ગીર અભયારણ્ય તથા આસપાસના વિસ્તારોમાં વસવાટ કરતા સાવજોનું લોકેશન જાણવા માટે રેડિયો કોલર લગાવવાનો પ્રોજેજ્ટ હાથ ધરાયો હતો. રાજકોટના સીમાડે આવી ચડેલા ત્રણ સાવજનું લોકેશન રેડિયો કોલરના આધારે સરળતાથી ટ્રેસ થતું રહેતુ હતું. વન વિભાગનાં અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણમાંથી એક નર સિંહના ગળે રેડિયો કોલર હતો અને એના આધારે ગતિવિધિની માહિતી મળી જતી હતી.