રાજકોટને સરકાર દ્વારા ઉત્તરાયણની ભેટ, માધાપર પાસે બનશે આધુનિક બસ સ્ટેશન

રાજકોટને સરકાર દ્વારા ઉત્તરાયણની ભેટ, માધાપર પાસે બનશે આધુનિક બસ સ્ટેશન
રૂ.1ના ટોકન ભાવે 6800 ચો.મી. જમીનની ફાળવાઈ
8 પ્લેટફોર્મનાં બસસ્ટેન્ડમાં 300 ટ્રીપનું સંચાલન થશે
રાજકોટ, તા.13: કોરોના મહામારીનાં કારણે સૌરાષ્ટ્રમાં રંગેચંગે ઉજવાતા અનેક તહેવારોને માઠી અસર પહોંચી છે પરંતુ બીજી તરફ સરકાર તરફથી દરેક તહેવારે કોઈને કોઈરૂપે ખુશી આપવામાં આવી રહી છે. તેમાંય ખાસ કરીને રાજકોટમાં પાછલા દિવસોમાં અનેક મોટા પ્રોજેક્ટને મંજૂરી મળી છે અથવા ખાતમુહૂર્ત થયા છે. દરમિયાન મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારે રાજકોટને વધુ એક ભેટ આપી છે. શહેરના જામનગર રોડ પર માધાપર ચોકડી નજીક નવા આધુનિક બસ સ્ટેશન માટે જમીન ફાળવણીની જાહેરાત રાજ્યના મુખ્યમંત્રીએ કરી છે.
રાજકોટના 150 ફૂટ રોડ પર માધાપર ચોકડી નજીક સિનર્જી હોસ્પિટલ પાસે સરકારી 6800 ચો.મી. જમીન એસ.ટી. તંત્રને રૂ.1નાં ટોકન દરે ફાળવવાનો આજે મળેલી કેબિનેટની બેઠકમાં  નિર્ણય લેવાયો હતો. તાજેતરમાં રાજકોટ એસ.ટી. વિભાગે કલેક્ટર તંત્ર પાસે નવા બસસ્ટેશન માટે માધાપર ચોકડી પાસે જમીન ફાળવવા દરખાસ્ત કરી હતી. જે દરમિયાન આ જમીનના પ્રિમિયમ અંગે પ્રશ્ન ઉભો થયો હતો. આથી આ જમીન ફાળવણીમાં થોડો વિલંબ થયો હતો. જો કે હવે જમીન ફાળવણી થઈ જતા ટૂંક સમયમાં જ રાજકોટ એસ.ટી. વિભાગને આ જમીન મળવાથી શાસ્ત્રી મેદાનના હંગામી બસસ્ટેન્ડનું સ્થળાંતર પણ થઈ જશે.
માધાપર ચોકડી પાસે અંદાજે રૂ.2થી 3 કરોડના ખર્ચે બનનારાં નવા બસસ્ટેન્ડમાં 8 પ્લેટફોર્મ, મુસાફર વેઇટિંગ, એરિયા, શોપિંગ કોમ્પ્લેક્સ, સ્ટોલ, કેન્ટિન, શૌચાલય, સ્વચ્છ પીવાનાં પાણી, ડ્રાઇવર-કંડક્ટર રેસ્ટ રૂમ વગેરે સવલતો ઉપલબ્ધ કરાવાશે તેમજ નવાં બસ સ્ટેશનમાં દૈનિક 300 જેટલી ટ્રીપોનું આવાગમન થશે, જેનો લાભ અંદાજિત 4500 જેટલા મુસાફરોને થશે તેમજ શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, જૂનાગઢ, પોરબંદર વગેરે જિલ્લા માટે આ બસસ્ટેશન આશીર્વાદરૂપ સાબીત થશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer