રાજકોટ-અમદાવાદ હાઈવે પર 30 કરોડની સરકારી જમીનમાંથી દબાણ દૂર કરાયું

રાજકોટ-અમદાવાદ હાઈવે પર 30 કરોડની સરકારી જમીનમાંથી દબાણ દૂર કરાયું
માલિયાસણ, કુવાડવા, તરઘડિયામાં હોટેલ, પેટ્રોલ પમ્પ, ટ્રાન્સપોર્ટ ઓફિસ સહિતના દબાણો પર વહીવટી તંત્રએ બુલડોજર ફેરવ્યું
રાજકોટ, તા.13 : રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા, માલિયાસણ, તરઘડિયા ગામ અને તેની આસપાસના વિસ્તારમાં થયેલા વ્યાપક દબાણો આજે જિલ્લા કલેકટરની સૂચના મુજબ પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ દૂર કરવામાં આવ્યા હતા. અંદાજે 30 કરોડની કિંમતની 8000 ચોરસ મીટર જેટલી સરકારી ખરાબાની જમીન ખુલ્લી કરાવી હતી.
પ્રાંત અધિકારી ચરણાસિંહ ગોહિલ, મામલતદાર કે.એમ કથીરિયા, સર્કલ ઓફિસર દેકાવાડિયા, તલાટી મંત્રીઓ
સહિતની ટીમ માલિયાસણ, કુવાડવા અને તરઘડિયામાં ત્રાટકી હતી. સર્વે નં.333, 309, 557માં ઠાકર હોટલ, પંજાબ હરિયાણા ટેમ્પો, ચામુંડા હોટલ, ચાંદની હોટલ અને બાયોડીઝલ, શ્રી હરિ કૃપા પેટ્રોલિયમ, યદુનંદન બાયોડીઝલ ગોહાટી, ગુજરાત રોડવેઝ, સૂર્યદીપ હોટલ, ગાત્રાળ ટી સ્ટોલ, જય દ્વારકાધીશ ટી સ્ટોલ અને પાન, મારુતિ એન્ટરપ્રાઇઝ તેમજ અન્ય કેબીનો તથા છાપરાઓ સહિતના બાંધકામ પર બુલડોઝર ફેરવીને 30 એકર જમીન ખુલ્લી કરાવી હતી. દબાણ કરનારાઓને સ્વેચ્છાએ દબાણો તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી હતી. પરંતુ તેનો અમલ ન થતા આજે પ્રાંત અધિકારી અને મામલતદાર બુલડોઝર સાથે ત્રાટક્યા હતા. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન લોકોના ટોળેટોળા ઉમટયા હતા પરંતુ પોલીસ બંદોબસ્તને કારણે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ હતી.
 
માધાપર-ઘંટેશ્વરમાં દબાણકારોએ સ્વેચ્છાએ રૂ.10 કરોડના
મૂલ્યની જમીન ખુલ્લી કરી!
રાજકોટના લગડી જેવા માધાપર-ઘંટેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર દબાણ થયાનું ખુલ્યાં બાદ તાજેતરમાં જ તલાટીઓએ કરેલા સર્વે દરમિયાન ભૂમાફિયાઓના નામ ખૂલ્યાં હતા. આ તમામ સામે નવા લેન્ડ ગ્રેબીંગ કાયદા હેઠળ કાનૂની કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવતાં તેઓ ફફડી ઉઠયાં હતાં અને સ્વેચ્છાએ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. તલાટી પુરોહિતભાઈના જણાવ્યાનુસાર માધાપર અને ઘંટેશ્વર ગામમાં સરકારી ખરાબાની 8500 ચો.મી. જમીનમાં થયેલુ અનઅધિકૃત બાંધકામ દબાણકારોએ સ્વેચ્છાએ ખુલ્લુ કરાવ્યું છે. આ જમીનોમાં પ્લાસ્ટિકના કારખાના, ઈંટોના ભઠ્ઠા, પાર્ટી પ્લોટ તથા વંડાઓ વાળી દેવામાં આવ્યાં હતાં. જે જમીન ખુલ્લી કરવામાં આવી છે તેનું બજાર મૂલ્ય રૂ.10 કરોડ આસપાસનું થવા જાય છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer