સૌરાષ્ટ્રમાં ‘સંજીવની’ની સપ્લાય શરૂ

સૌરાષ્ટ્રમાં ‘સંજીવની’ની સપ્લાય શરૂ
રાજકોટમાં કોરોના વેક્સિનના વધામણા  જૂનાગઢ, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગરમાં ડોઝનું આગમન
(ફૂલછાબ ન્યુઝ) રાજકોટ, તા. 13 : કોરોના મહામારીને નાથવાનું બ્રહ્માસ્ત્ર અને લોકો માટે જડીબુટ્ટી સમાન કોરોનાની વેક્સિનના ડોઝ આજે સવારે મુંબઈથી વિમાનમાં રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા બાદ સૌરાષ્ટ્રના જિલ્લા મુખ્ય મથકો જૂનાગઢ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગરને આ ‘સંજીવની’ની સપ્લાય કરવામાં આવી હતી. 16મી તારીખથી સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણનો એકસાથે પ્રારંભ થવાનો છે ત્યારે બે દિવસ સુધી આ વેક્સિનના જથ્થાનું સ્થાનિક તંત્ર દ્વારા જીવની જેમ જતન કરવામાં આવશે.
સિરમ ઈન્સ્ટિટયુટ નિર્મત કોવિશીલ્ડ વેક્સિન લઈને રાજકોટમાં વહેલી સવારે આવેલા વિમાને સલામત ઉતરાણ કર્યું ત્યારે એરપોર્ટ પર બેનરો અને બેન્ડની સુરાવલી સાથે મંત્રી, સાંસદ, કલેક્ટર, મહાપાલિકાના અધિકારીઓ તેમજ આરોગ્ય વિભાગના સ્ટાફે વેક્સિનનું કુમકુમ તિલક અને શ્રીફળ વધેરીને સ્વાગત કર્યું હતું. આરોગ્ય વિભાગના મહિલા કર્મચારીઓએ તાલીના ગડગડાટથી આ વેક્સીનને આવકારી હતી. રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનનું રીજીયોનલ સ્ટોરેજ સેન્ટર બનાવાયું છે ત્યારે આજે સમગ્ર સૌરાષ્ટ્ર માટે 77000 અને તેમાંથી રાજકોટ માટે મહાપાલિકાને વેક્સિનના 16500 અને જિલ્લા પંચાયતને 9000 ડોઝ ફાળવવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં 16મીથી સૌપ્રથમ કોરોના વોરીયર્સને વેક્સિન આપવામાં આવશે.
રાજકોટ ઝોનમાં ઉતરેલા 77000ના જથ્થામાંથી જામનગર મહાપાલિકાને 9 હજાર અને જિલ્લા પંચાયતને કોરોના વેક્સિનના 5 હજાર ડોઝ પહોંચાડવામાં આવશે. જ્યારે દ્વારકા જિલ્લા પંચાયતને 4500, પોરબંદરને 4000, મોરબીને 5000, કચ્છને 16000 ડોઝ ફાળવવામાં આવ્યા છે. જામનગર શહેરમાં પાંચ અને ગ્રામ્યમાં 3 મળી 8 કેન્દ્રો પર વેક્સિન અપાશે. જામનગમાં 56 સ્ટોરેજ કેન્દ્રો સુનિશ્ચિત કરાયા છે.
જૂનાગઢમાં 10500 ડોઝનો જથ્થો ભાવનગરથી રવાના કરાયો છે. જે મોડી રાત સુધીમાં પહોંચશે. તેમાંથી 6500 ડોઝ ગ્રામ્ય માટે અને 4000 ડોઝ શહેર માટે અનામત રખાશે. જિલ્લામાં ચાર અને શહેરમાં બે સ્થળે 16મીથી રસીકરણ શરૂ કરાશે.
સુરેન્દ્રનગરમાં અમદાવાદથી 9500 ડોઝ ખાસ વેક્સિન વાનમાં પહોંચાડવામાં આવ્યા હતા. જિલ્લામાં નોંધાયેલ 6748 હેલ્થ વર્કરને 16મીથી રસીકરણનો પ્રારંભ થશે. જેના માટે પાંચ કેન્દ્ર પર વ્યવસ્થા ગોઠવાઈ છે.
દ્વારકામાં વેક્સિનના 4700 ડોઝ ફાળવવામાં આવ્યા છે. જેમાંથી પ્રાથમિક તબક્કે 3700 હેલ્થ વર્કરને રસી આપવામાં આવશે. જેના માટે ખંભાળિયા જનરલ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ દ્વારકા, સામૂહિક આરોગ્ય કેન્દ્ર જામરાવલ ખાતે કેન્દ્રો ઉભા કરાયા છે. જિલ્લા વેક્સિન સ્ટોરમાંથી 34 કોલ્ડ ચેઈન પોઈન્ટમાં સપ્લાય કરાશે. આગામી સમયે જિલ્લામાં 367 સ્થળે રસીકરણની કામગીરી થશે.
મોરબીને ફાળવાયેલ 5340 ડોઝનો પ્રથમ જથ્થો આજે રાજકોટથી આવી પહોંચ્યો હતો. મોરબી આરોગ્ય વિભાગની ટીમના ફાર્માસિસ્ટ અતુલભાઈ પટેલ અને પાયલોટીંગ ઓફિસર રાજકોટ પહોંચ્યા હતા અને ત્યાંથી વેક્સિન લઈને મોરબી આવ્યા હતા. જેનું મોરબીમાં રાજકીય અગ્રણીઓ દ્વારા સ્વાગત કરાયું હતું.
સુરત રીજીયન હેઠળ આવતા સુરત જિલ્લો ઉપરાંત નવસારી, તાપી, ડાંગ અને વલસાડનો સામૂહિક 93500 ડોઝનો જથ્થો આજે આવી પહોંચતા સુરત નવી સિવિલ હોસ્પિટલના કોલ્ડ વેક્સિનેશન સ્ટોરેજ સેન્ટર ખાતે સલામતીપૂર્વક રાખવામાં આવ્યો છે.
વડોદરામાં પૂણેથી 52900 વેક્સિનનો જથ્થો પહોંચતા ગુજરાત વિધાન સભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિતનાએ સ્વાગત કર્યું હતું. અહીંથી વડોદરા શહેર સહિત મધ્ય ગુજરાતના 7 જિલ્લામા રસી પહોંચાડવામાં આવશે. વડોદરામાં કોરોનાની રસી લેવા 16400 હેલ્થ વર્કરની નોંધણી થઈ છે.
આણંદમાં 18,500 વેક્સિન ડોઝ આવ્યા
આણંદ જિલ્લામાં 16મીએ 11 કેન્દ્રો પર વેક્સિન પ્રથમ ડોઝ 11 હેલ્થવર્કરોને આપવામાં આવશે. જેના ભાગરૂપે આણંદ જિલ્લામાં રાજય સરકાર દ્વારા વેક્સિનના 18500 ડોઝ ફાળવવામાં આવ્યા છે. જે વેક્સિન બોકસ આણંદ ખાતે આવી પહોંચતા જૂની તાલુકા પંચાયતમાં બનાવેલ ડીપી ફ્રીઝ બોકસમાં મૂકવામાં આવ્યા છે.
 
0.5 MLનો અપાશે ડોઝ
રાજકોટ મનપાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 287 અને રાજકોટમાં 10 બુથ ઉભા કરાયા છે. રાજકોટમાં દરેક બુથ પર 100-100 વ્યક્તિને રસી અપાશે. દરેક વ્યક્તિને 0.5 એમએલનો ડોઝ અપાશે. રાજકોટમાં 17 હજાર જેટલા કોરોના વોરિયર્સ રજિસ્ટર્ડ થયા છે.હાલમાં આ રસીના જથ્થાને મનુબેન ઢેબરભાઈ સેનેટોરિયમમાં રાખવામાં આવ્યા છે. જ્યાં વેક્સિનને અનુરૂપ તાપમાન પ્રમાણે તેની જાળવણી કરવામાં આવી રહી છે.
 
કોવિશીલ્ડ બાદ દેશમાં કોવેક્સિનની ડિલીવરી પણ શરૂ
નવી દિલ્હી, તા. 13 : ત્રણ દિવસ બાદ દેશમાં કોરોના રસીકરણની પ્રક્રિયા શરૂ થઈ જશે. સીરમ ઈન્સ્ટિટયૂટની કોવિશીલ્ડ બાદ હવે ભારત બાયોટેકની રસીની ડિલિવરી પણ શરૂ થઈ ચુકી છે. કોવેક્સિનની પહેલી ખેપ બુધવારે સવારે એર ઈન્ડિયાની ફ્લાઈટથી હૈદરાબાદથી દિલ્હી મોકલવામાં આવી હતી. દિલ્હી ઉપરાંત બેંગલુરૂ, ચૈન્નઈ, પટણા, જયપુર, લખનઉ, સુરત, રાંચી, કુરુક્ષેત્ર, કોચ્ચિ સહિત 11 શહેરોમાં કોવેક્સિનની પહેલી ખેપ પહોંચી હતી.  રસીકરણની શરૂઆતના દિવસે નરેન્દ્ર મોદી વર્ચ્યૂઅલી  કોવિન એપને પણ લોન્ચ કરશે.  એર એશિયાના વિમાન થકી કોવેક્સિનની 60000 ડોઝ જયપુર પહોંચી છે. જેને એરપોર્ટથી સીધા આદર્શ નગર લઈ જવામાં આવી હતી. આવી જ રીતે પુણેથી સુરત સડક માર્ગે કોવેક્સિનની ખેપ પહોંચી હતી. જેમાં 93500 ડોઝ હતા. આ ડોઝ સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. વેક્સિન ભરેલી ટ્રકનું સ્વાગત મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આવી જ રીતે રાંચી, ભોપાલ, કરનારલ, ચંડીગઢ, મુંબઈ સહિતના સ્થળોએ પણ કેવેક્સિનની પહેલી ખેપ પહોંચી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer