હરિયાણામાં ગઠબંધન સરકાર બચાવવા ભાજપની કવાયત

હરિયાણામાં ગઠબંધન સરકાર બચાવવા ભાજપની કવાયત
અમિત શાહ બાદ પીએમ મોદીને મળ્યા ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા : કિસાન આંદોલન ઉપર થઈ ચર્ચા
નવી દિલ્હી, તા. 13 :  કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા 6 અઠવાડિયાથી જારી આંદોલન વચ્ચે હરિયાણાના ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન બન્ને વચ્ચે કિસાન આંદોલનને લઈને ચર્ચા થઈ હતી. આ અગાઉ મંગળવારે ચૌટાલા ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. ચૌટાલા હરિયાણામાં ભાજપ સરકારમાં ગઠબંધનમાં ભાગીદાર જનનાયક જનતા પાર્ટીના નેતા છે. માનવામાં આવે છે કે જેજેપીના અમુક વિધાયક પ્રદર્શનકારી કિસાનોના દબાણમાં છે.
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને ચૌટાલાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ ખટ્ટર અને ચૌટાલાએ કહ્યું હતું કે, ભાજપ અને જેજેપી ગઠબંધનને કોઈ જોખમ નથી અને સરકાર પાંચ વર્ષનો પોતાનો કાર્યકાળ પુરો કરશે. તેમણે કહ્યું હતું કે બેઠકમાં વર્તમાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે વાતચીત કરવામાં આવી હતી. અમિત શાહે કહ્યું હતું કે, પ્રદેશમાં રાજનીતિક સ્થિત સારી છે. વિપક્ષ અને મીડિયાની અટકળો નિરાધાર છે.
આ અગાઉ જેજેપી વિધાયકોના એક જુથે કહ્યું હતું કે, જો કેન્દ્ર સરકાર કૃષિ કાયદો પરત નહીં ખેંચે તો પ્રદેશમાં ગઠબંધન સરકારને તેની ભારે કિંમત ચૂકવવી પડશે. જેજેપી પ્રમુખ અને ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાની ગૃહમંત્રી અમિત શાહ સાથેની વાતચીતના અમુક સમય પહેલા જ વિધાયકોએ આ દાવો કર્યો હતો. જેને લઈને અટકળો શરૂ થઈ હતી.
 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer