રાજકોટમાં નશાખોર કારચાલક તબીબે મનપાના કર્મચારીને અડફેટે લેતા મૃત્યુ : ધરપકડ

ફાર્મ હાઉસથી પરત ફરતી વખતે અકસ્માત સર્જ્યો : એક ઘાયલ : એકનો બચાવ
રાજકોટ, તા.13: આજીડેમ ચોકડી પાસેના અમુલ સર્કલ પાસે રાત્રીના નશાખોર કારચાલક તબીબે બાઈકસવાર મનપાના કર્મચારીને અડફેટે લેતા ગંભીર ઈજા થવાથી મૃત્યુ નીપજ્યું હતું જ્યારે કારમાં બેઠેલા એક વ્યક્તિને ઈજા પહોંચી હતી અને એક વ્યક્તિનો બચાવ થયો હતો. પોલીસે નશાખોર તબીબની ધરપકડ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, રૈયા ગામના વણકરવાસમાં રહેતા અને આરએમસી કન્ઝર્વન્સી વિભાગમાં નોકરી કરતા જંયતીભાઈ પૂંજાભાઈ રાઠોડ નામના આધેડ આજીડેમ પાસે આવેલી ઓફિસેથી રાત્રીના નોકરી પૂર્ણ કરી બાઈક લઈને ઘેર જવા નીકળ્યા હતા અને અમુલ સર્કલ પાસે પહોંચ્યા હતા ત્યારે બેફામગતિએ ધસી આવેલી બીએમડબલ્યુ કારે બાઇકને અડફેટે લેતા જંયતીભાઈ રાઠોડ ફંગોળાયા હતા અને ગભીર ઈજા થવાથી મૃત્યુ નીપજ્યું હતું અને કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. આ અંગેની જાણ થતાં પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને અકસ્માત સર્જનાર કારચાલક મવડી પ્લોટની સ્વાશ્રય સોસયાટીમાં રહેતો અને આનંદબંગલા ચોકમાં દવાખાનું ધરાવતો ડો.લક્કી રાજ ભગવાનજી અંકવાલિયા નામનો પટેલ શખસ હોવાનું ખૂલ્યું હતું અને ઝડપી લઈ પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં કારમાં બેઠેલા મવડી પ્લોટની ગાંધી સોસાયટીમાં રહેતા ધર્મેશ કેશુભાઈ સોરઠિયાને ઈજા થવાથી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યારે અન્ય એક શખસનો બચાવ થયો હતો.
આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં નશાખોર ડો.લક્કીરાજ તથા મિત્રો માડાડુંગર પાસેના ફાર્મ હાઉસે ગયા હતા અને ત્યાંથી પરત આવતી વખતે નશો કરેલી હાલતમાં કાર બેફામગતિએ ચલાવતા અકસ્માત સર્જાયો હતો. નશાખોર ડો.લક્કીરાજ વિરુદ્ધ ટાંકી ચોકમાં અકસ્માત મામલે માથાકૂટ થતા એક યુવાન પર છરીથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે નશાખોર ડો.લક્કીરાજ ભગવાનજી અંકવાલિયા સામે બે અલગ અલગ ગુના નોંધી ધરપકડ કરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer