સુરત, તા. 4: પૌત્રીની સગાઇ અને તુલસી વિવાહમાં છ હજાર લોકોની ભીડ એકત્ર કરનાર તાપીના સોનગઢના ડોસલવાડા ગામના માજી વનમંત્રી કાંતિ ગામીત તેના સરપંચ પુત્ર જીતુ ગામીત સહિત ચારને બે દિવસના રિમાન્ડ પર મેળવીને પોલીસે પૂછપરછ શરૂ કરી હતી.
કોરોના કાળમાં માજી વનમંત્રી કાંતિ ગામીતની પૌત્રીની સગાઇ પ્રસંગમાં મોટી ભીડ જમા કરવામાં આવી હતી.આ અંગે કોવીડ-19ની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. સોનગઢ પોલીસે ગુનો નોંધ્યો હતો અને તેમાં નોનબેલેબલ કલમનો ઉમેરો કર્યો હતો. બાદમાં ભાજપના આગેવાન અને માજી વનમંત્રી કાંતિ ગામીત, તેના સરપંચ પુત્ર જીતુ ગામીત સહિત ચારની ધરપકડ કરવામાં આવી હતી. આ ચારેયને રિમાન્ડની માગણી કરતી અરજી સાથે કોર્ટમાં રજૂ કરાયા હતાં.કોર્ટે ચારેયને બે દિવસના રિમાન્ડ પર સોંપવા આદેશ કર્યો હતો. આ કેસમાં અગાઉ પકડાયેલા 15 શખસની જામીન અરજી અદાલતે નામંજૂર કરી હતી. જ્યારે લોકોની ભીડ એકત્ર થવા અંગે સસ્પેન્ડ કરી દેવાયેલા પીઆઇ સી.કે.ચૌધરી અને કોન્સ્ટેબલ નિલેશ મણીલાલ સામેની તપાસ સુરત જિલ્લાના એસપી ઉષા રાડા દ્વારા કરવામાં આવી રહી છે. પાંચ દિવસમાં તપાસનો રિપોર્ટ તૈયાર કરીને રેન્જ આઇજીને સોંપવામાં આવશે.