જામનગર પંથકમાં ચાર વ્યકિતનાં અપમૃત્યુ

જામનગરની યુવતી અને ધુંવાવના યુવાનનો આપઘાત: હોસ્પિટલમાં અજાણ્યા યુવાન અને ચાલુ બાઈકે હાર્ટ એટેકથી દૂધવાળાનું મૃત્યુ
જામનગર, તા.4 (ફૂલછાબ ન્યુઝ):જામનગર પંથકમાં ચાર વ્યકિતઓના અપમૃત્યુના બનાવો બન્યાં છે.
જામનગરમાં હર્ષદની મીલની ચાલી શેરી નં.1ના છેડે રહેતી નીતાબા મહેન્દ્રસિંહ ગોહિલ નામની 18 વર્ષની યુવતીએ પોતાના ઘેર ગળાફાંસા દ્વારા જિંદગીનો અંત આણ્યો હતો. મૃતક યુવતી જન્મથી જ માનસિક બીમાર હતી અને તેની દવા ચાલતી હતી. તે બીમારીના કારણે તેણે આ પગલું ભર્યું હોવાનું પોલીસ સમક્ષ જાહેર કરાયું છે. પોલીસે તપાસ હાથ ધરી છે.
માલગાડી આડે પડતુ મૂકીને
જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા અરવિંદ સવજીભાઈ પરમાર નામના 28 વર્ષના એક યુવાને આજે સવારે વિભાપર નજીકથી પસાર થતી રેલવે લાઈન પર પસાર થઈ રહેલી માલગાડી ટ્રેઈન આડે પડતું મૂકતાં તેનું બનાવના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. મૃતક યુવાન પોતાના ઘેરથી કડિયા કામની મજૂરી કરવા જવાનું કહીને નીકળ્યા પછી કોઈ અગમ્ય કારણોસર આ પગલું ભર્યું હતું. પોલીસે તપાસ હાથ ધરી છે.
સારવાર દરમિયાન મૃત્યુ
જામનગરના બેડેશ્વર વિસ્તારમાં પરમદીને ત્રીસ વર્ષની વયનો એક અજ્ઞાત યુવાન બેશુધ્ધ અવસ્થામાં મળી આવ્યો હતો. સારવાર માટે તેને જામનગરની હોસ્પિટલમાં પહોંચાડાયો હતો.સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે તેની લાશનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવી હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખ્યો છે. બીમારીના કારણે તેનું મૃત્યુ થયાનું અનુમાન લગાવાયું છે.
ચાલુ બાઈકે
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સિંગચ ગામમાં રહેતા ગાંગાભાઈ રાજાભાઈ પરમાર નામના 55 વર્ષના રબારી પ્રૌઢ પોતાના ઘેરથી દૂધના કેન ભરીને બાઈક ઉપર દૂધ પહોંચાડવા જઈ રહ્યા હતા તે દરમિયાન સિંગચ ગામના ચાર રસ્તા પાસે ચાલુ બાઈક પર તેઓને હાર્ટ એટેક આવ્યો હતો. જામનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer