કોરોનાની રસી હાથવેંતમાં

કોરોનાની રસી હાથવેંતમાં
અગ્રિમતાનાં આધારે થશે રસીકરણ: ભાવનો નિર્ણય રાજ્યો સાથે ચર્ચા પછી
આનંદ વ્યાસ
નવીદિલ્હી, તા.4: કોરોના મહામારી સામેની લડાઈ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચવાની આરે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સર્વપક્ષીય બેઠકમાં મોટી જાણકારી આપતાં કહ્યું હતું કે, આગામી થોડા સપ્તાહોમાં જ દેશને કોરોનાની રસી મળી જશે. ભારતીય વૈજ્ઞાનિકો આના માટે આશ્વસ્ત છે. દેશમાં રસીનાં આઠ સંભવિત કેન્ડીડેટ (ઉમેદવાર) પરીક્ષણોનાં વિભિન્ન ચરણમાં છે. વડાપ્રધાને આગળ કહ્યું હતું કે, દુનિયા પણ કોરોનાની અસરદાર અને સસ્તી રસી માટે ભારત ઉપર મીટ માંડીને બેઠી છે. વિજ્ઞાન સમુદાયનાં સંગઠિત પ્રયાસો થકી દેશ નજીકનાં ભવિષ્યમાં જ સામૂહિક રસીકરણનો વ્યવહારુ વિકલ્પ પૂરો પાડી શકશે તેવી આશા છે.
રસીકરણનાં આયોજન વિશે જણાવતાં વડાપ્રધાને કહ્યું હતું કે, દેશમાં સૌપ્રથમ સ્વાસ્થ્યકર્મીઓ અને અગ્રિમ મોરચે લડતા કોરોનાવીરોને રસી આપવામાં આવશે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોની મદદથી રસીકરણનાં કાર્યક્રમની અગ્રિમતાની યાદી તૈયાર કરવામાં આવશે. જ્યારે રસીનાં ભાવ જાહેર સ્વાસ્થ્યને ધ્યાને રાખીને રાજ્યો સાથે પરામર્શ કર્યા પછી જ નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત મોદીએ કહ્યું હતું કે, એકવાર સંશોધક વિજ્ઞાનીઓની લીલીઝંડી મળી જાય પછી રસીકરણનો સૌથી મોટો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. જેનાં માટે આપણી પાસે જબરદસ્ત નેટવર્ક પણ છે અને રસીનાં સંગ્રહ અને આપૂર્તિ માટે કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ પણ વધારવામાં આવશે.
ભારતમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો એટલે કે ફેબ્રુઆરી-માર્ચથી અત્યાર સુધીમાં જે મહેનત અને ખંત તમામ દ્વારા દેખાડવામાં છે તે બદલ પણ વડાપ્રધાન મોદીએ સૌનો આભાર માન્યો હતો. તેમણે આગળ કહ્યું હતું કે, ભારતે માત્ર પોતાના નાગરિકો જ નહીં પણ અન્ય દેશોને પણ તબીબી સહાયતાઓ પૂરી પાડી છે.
હવે દેશ જ્યારે સૌથી મોટા રસીકરણ કાર્યક્રમને હાથ ધરવાની તૈયારીમાં છે ત્યારે તેમણે જનભાગીદારી માટે પણ હાકલ કરી હતી. મોદીએ પ્રશાસન અને રાજકીય દળોને પણ આ દરમિયાન લોકો સુધી સાચી જાણકારીઓ ફેલાવવા માટે કહ્યું હતું કારણ કે આવા સમયે અફવાઓ પણ મોટા પ્રમાણમાં ફેલાતી હોય છે.
આજની આ બેઠકમાં સંસદનાં બન્ને ગૃહમાં પ્રતિનિધિત્વ ધરાવતા દળોનાં નેતાઓ હાજર હતાં. બેઠકમાં અમિત શાહ, રાજનાથ સિંહ, હર્ષવર્ધન સહિતનાં કેન્દ્રીય નેતાઓએ પણ હાજરી આપી હતી. કોંગ્રેસનાં નેતા અધીર રંજન ચૌધરી અને ગુલામનબી આઝાદ, તૃણમૂલ કોંગ્રેસનાં ડેરેક ઓબ્રાયન, ડીએમકેનાં ટી.આર.બાલુ, એનસીપીનાં શરદ પવાર સહિતનાં અન્ય પક્ષનાં નેતાઓ આ ઓનલાઈન બેઠકમાં જોડાયા હતાં.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer