કોરોના વોરિયર્સ, વૃદ્ધોને સૌ પ્રથમ રસી અપાશે : તાલુકા કક્ષા સુધી ટાસ્કફોર્સની રચના
વેક્સિન સ્ટોર અને કોલ્ડચેઇન પોઇન્ટનું ટેક્નિકલ ઓડિટ પણ સંપન્ન
અમદાવાદ, તા.4: સમગ્ર દેશમાં ટૂંક સમયમાં કોરોના વેક્સિનનું આગમન થવાનું છે તેને લઇને ગુજરાતમાં કોવિડ-19ના વેક્સિનેશન માટે વહીવટી તંત્રે સંપૂર્ણ તૈયારી કરી દીધી છે. રાજ્યના તમામ 33 જિલ્લા અને 248 તાલુકા અને કોર્પોરેશન કક્ષાએ ટાસ્ફ ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ દ્વારા આયોજન પણ કરી લેવાયું છે. ગુજરાતમાં વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાએ 6 વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ 41 સ્ટોર અને છેક અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવા 2,189 કોલ્ડ ચેઇન પોઇન્ટની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. તમામ સ્ટોર ખાતેના સાધનોનું ટેકનિકલ ઓડિટ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.
રાજ્યના મુખ્ય સચિવ ડો. અનિલ મુકીમના અધ્યક્ષપદે આજે રાજ્યકક્ષાની સ્ટીયરીંગ કમિટિની એક મહત્ત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ગુજરાતમાં વેક્સિનેશન માટેના આયોજનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ભારત સરકારની ગાઇડલાઇન મુજબ ગુજરાતે વેક્સિનેશન માટેનું આયોજન શરૂ કરી દીધુ છે. પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કર્સની માહિતી તૈયાર કરવામાં આવી રહી છે. આજ સુધીમાં રાજ્ય સરકારના 2.71 લાખ આરોગ્યકર્મીઓ અને 1.25 લાખ ખાનગી આરોગ્ય કર્મીઓ મળીને કુલ 3.96 લાખ હેલ્થકેર વર્કર્સની માહિતી એકત્ર કરવામાં આવી છે. બીજા તબક્કામાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સની માહિતી એકત્ર કરવાની સૂચના વહીવટી તંત્રને આપવામાં આવી છે. આ અંગેની યાદી ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર પણ કરી લેવામાં આવી છે.
રસીને પ્રથમ તબક્કામાં તમામ હેલ્થ વર્કર્સને આપવામાં આવશે. જેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ વર્કર્સમાં પણ ઉંમરલાયક અને કોરોનાનું વધારે જોખમ હોય તેવા કર્મચારીઓની અલગથી યાદી તૈયાર કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા તમામ ડોક્ટર્સ, હેલ્થ વર્કર્સ અને સફાઇ કર્મચારીઓ સહિતનાં તમામ ગ્રાઉન્ડ સ્ટાફની યાદી તૈયાર કરવાની પ્રક્રિયા ચાલુ થઇ ચુકી છે. પ્રથમ ડોઝમાં 8500 જેટલા ડોક્ટર્સ અને હેલ્થ વર્કર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમને રસી આપવામાં આવશે તેમની એન્ટ્રી કો-વીન નામના ખાસ બનાવાયેલા એપમાં પણ કરવામાં આવશે. આગામી અઠવાડીયે જ્યારે રસી આપશે ત્યારે કોરોના વોરિયર્સને અગ્રતા ક્રમ આપવામાં આવશે.
ગુજરાતમાં રસીકરણ માટે તૈયારી રફતારમાં
