ખાનગી લેબોરેટરીમાં હવે કોઇપણ વ્યક્તિ કોરોના ટેસ્ટ કરાવી શકશે

ખાનગી લેબોરેટરીમાં હવે કોઇપણ વ્યક્તિ કોરોના ટેસ્ટ કરાવી શકશે
(ફૂલછાબ ન્યુઝ)અમદાવાદ,તા.4 : રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે ત્યારે કોરોના ટેસ્ટ મામલે રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે હવે કોઈ પણ વ્યક્તિ ખાનગી લેબમાં ડોક્ટરની ભલામણ વગર કોરોના ટેસ્ટ કરાવી શકશે. આ પહેલા ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ માટે ડોક્ટરની ભલામણ ચિઠ્ઠી ફરજિયાત હતી. હવે કોઈપણ વ્યક્તિ જેને એવું લાગે કે તેને કોરોનાનો ટેસ્ટ કરાવવો છે તે સરકાર તરફથી નક્કી કરવામાં આવેલી ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ કરાવી શકશે. ઉલ્લેખનીય છે કે કોવિડ-19ના ટેસ્ટ માટે સરકારે કેટલીક ખાનગી લેબને મંજૂરી આપી છે. આ ઉપરાંત સરકારી હોસ્પિટલો અને જે તે શહેરના તંત્ર દ્વારા વિવિધ જગ્યાએ ટેન્ટ ઊભા કરીને કોરોના ટેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પહેલી ડિસેમ્બરના રોજ સરકારે કોરોના ટેસ્ટના ચાર્જમાં ઘટાડાની જાહેરાત કરી હતી. જે પ્રમાણે ગુજરાતમાં હવે કોરોનાના કેસ માટે કરવામાં આવતા આરટી-પીસીઆર ટેસ્ટની કિંમત 800 રૂપિયા રહેશે. એટલે કે હવે કોઈપણ વ્યક્તિ સરકાર તરફથી નક્કી કરવામાં આવેલી ખાનગી લેબોરેટરીમાં 800 રૂપિયા ચાર્જ ચૂકવીને આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી શકે છે. આ માટે વ્યક્તિએ લેબ પર જઈને ટેસ્ટ કરાવવો પડશે. જો વ્યક્તિ લેબકર્મીને ઘરે બોલાવે છે તો તેણે આ માટે 1,100 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. આ અંગે રાજ્યના આરોગ્યપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરી હતી. આ પહેલા ગુજરાતમાં ખાનગી લેબ તરફથી આરટી-પીસીઆર ટેસ્ટ માટે 1,500 રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો. જો લેબકર્મી ઘરે આવીને સેમ્પલ લઈ જાય તો 2,000 રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો. સરકારની નવી જાહેરાતથી કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગતા લોકોને રાહત મળશે. સાથે જ ઓછી કિંમત હોવાથી વધારે લોકો તેનો લાભ પણ લેશે. ખાનગી લેબ ઉપરાંત સરકાર તરફથી કોરોના અંગેનો વિનામૂલ્યે ટેસ્ટ ચાલુ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer