ઉદય હોસ્પિટલમાં પાંચ જિંદગીનો અસ્ત, સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, તપાસનો થયો આદેશ

ઉદય હોસ્પિટલમાં પાંચ જિંદગીનો અસ્ત, સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, તપાસનો થયો આદેશ
ગુરુવારે મધરાત બાદ શોર્ટ સરકીટના કારણે લાગી આગ : કેટલાક દર્દી બાથરૂમમાં ભરાયા તો કેટલાકને અગાશીએ લઇ જવાયા: 28 દર્દીઓને બચાવી લેવાયા : વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી રૂપાણીએ વ્યકત કરી સંવેદના
 
(ફૂલછાબ પ્રતિનિધિ) રાજકોટ,તા. 27 : રાજકોટની કોવિડ હોસ્પિટલમાં ગુરુવારે મધરાત બાદ શોર્ટ સરકીટથી આગ લાગી હતી અને પાંચ દર્દીઓ જીવતા ભૂંજાઈ ગયા હતા. બાકીના 28 દર્દીઓને સદ્નસીબે બચાવી લેવાયા હતા. ‘ઉદય’ નામની આ હોસ્પિટલમાં અકાળે પાંચ દર્દીઓની જીંદગીનો અસ્ત થયો હતો. આ ઘટનાના રાષ્ટ્રીય પડઘા પડયા છે. સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લઇ રાજ્ય સરકારનો ઉઘડો લીધો હતો અને આવી ઘટના વારંવાર બને છે એ મુદ્દે અહેવાલ માગ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દર્દીઓને જરૂરી બધી મદદ માટે ખાતરી આપી. તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઘટના પ્રત્યે દુ:ખ વ્યક્ત કરી મૃતકોના પરિવારને રૂ. 4-4 લાખની સહાય જાહેર કરી હતી અને અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશને તપાસ સોંપી હતી. એક બે દિવસમાં આ મુદ્દે અહેવાલ અપાયા બાદ જવાબદાર સામે પગલાં લેવાશે. સ્થાનિક કક્ષાએ પોલીસ કમિશનર દ્વારા પણ ‘સીટ’ રચના કરવામાં આવી છે. એફએસએલના રિપોર્ટની પણ રાહ છે.
આ કરુણાંતિકાની વિગત એવી છે કે, મવડી વિસ્તારના આનંદ બગલા ચોક પાસેની જયંત કે.જી.સોસાયટીમાં આવેલી ઉદય કોવિડ હોસ્પિટલમાં ગુરુવારે મધરાત બાદ એકાએક આઈસીયુ વિભાગમાં આગ ભભૂકી ઉઠતા સારવારમાં રહેલા દર્દીઓમાં નાસભાગ મચી ગઈ હતી. કેટલાક દર્દીઓ બાથરૂમમાં ભરાયા હતા તો કેટલાકને અગાશી પર લઈ જવાયા હતા.
આ અંગેની જાણ થતા મવડી ફાયર બ્રિગેડનો સ્ટાફ તથા માલવિયાનગર પોલીસ મથકના પીઆઈ.કે.એન.ભુકણ તથા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીસીપી એમ.એન.જાડેજા તથા એફએસએલ અધિકારી અને સ્ટાફ તેમજ જીઈબીના અધિકારીઓ અને સ્ટાફ તેમજ કલેકટર રમૈયામોહન તથા અન્ય સ્ટાફ દોડી ગયા હતા. ફાયર બિગેડના સ્ટાફે ભારે જહેમતના અંતે હોસ્પિટલમાં લાગેલી આગ બૂઝાવી હતી. આ કારણે વધુ જાનહાની અટકી હતી.
આ ગોઝારા અગ્નિકાંડમાં કોવિડ હોસ્પિટલમાં સારવારમાં રહેલા મોરબીના સનાળા બાયપાસ ઈસ્કોન ફલેટમાં રહેતા નીતીનભાઈ મણીલાલ બદાણી, જસદણના અર્જુનપાર્કમાં રહેતા રાજકોટ રુરલના નિવૃત્ત એએસઆઈ  રબારી રામસીભાઈ મોતીભાઈ લોહ અને ગોંડલના રસીકલાલ શાંતીલાલ અગ્રાવત તથા સામાકાઠાંના પેડક રોડ પર કેશુભાઈ લાલજીભાઈ અકબરી અને પ્રહલાદ પ્લોટમાં રહેતા સંજયભાઈ અમૃતલાલ રાઠોડના મૃત્યુ નિપજયા હતા. જયારે અન્ય ર8 દર્દીઓને કુવાડવા રોડ પરની અને રાષ્ટ્રીય શાળા પાસે આવેલી ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ગોકુલ હોસ્પિટલ્સ સંચાલિત ઉદય કોવીડ હોસ્પિટલમા 33 દર્દીઓ સારવારમાં હતા. જેમાં ગ્રાઉન્ડ ફલોર પર આવેલા આઈસીયુ વિભાગમાં 11 દર્દીઓ અને રર જનરલ વોર્ડમાં હતા. જેમાથી પાંચ દર્દીના મૃત્યુ નિપજયા હતા અને બાકીના ર8 દર્દીઓ દાઝયા નહોતા પરંતુ કોરોના દર્દી હોય હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં વેન્ટીલેટરમાં સ્પાર્ક થતા અથવા તો ગ્રાઉન્ડ ફલોરમાં શોર્ટ સર્કીટ થયા બાદ ઉપરના આઈસીયુ યુનિટમાં આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવના પગલે મૃતકોના પરિવારજનોએ હોસ્પિટલના જવાબદારો સામે અનેક આક્ષેપો કરી કડક કાર્યવાહી કરવા આક્રોશ ઠાલવ્યો હતો. આ ઘટનાના પગલે પાંચેય પરિવારોમાં કરુણ કલ્પાંત મચી ગયો હતો. કોણ કોને છાના રાખે તેવી પરિસ્થિતિ સર્જાય હતી અને વાતાવરણમા ગમગીની વ્યાપી ગઈ હતી. પોલીસે પાંચેય વ્યકિતઓના મૃતદેહ ફોરેન્સિક  પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer