ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લેશે : દેશના ત્રણ મહત્ત્વના શહેરોમાં રસીનું ઉત્પાદન નિહાળશે
(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 27: ગુજરાતમાં કોરોના વેક્સિન પહોંચી ચૂકી છે અને ટ્રાયલ શરૂ થઇ ગઇ છે. એવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે શનિવારે કોરોના વેક્સિનનું જ્યાં ઉત્પાદન થાય છે તેવા દેશના ત્રણ શહેરોની મુલાકાત લેવાના છે. એ પૈકી તેઓ અમદાવાદ શહેરની ટૂંકી મુલાકાત લેશે. વડાપ્રધાન કાર્યાલયે શુક્રવારે બપોરે સાડા ત્રણે કરેલી ટ્વિટમાં આ મુદ્દે સત્તાવાર જાહેરાત થઇ છે. ટ્વિટ પ્રમાણે આવતીકાલે તેઓ વેક્સિનના ઉત્પાદનની પ્રક્રિયા ત્રણ શહેરોમાં ફરીને રૂબરૂ નિહાળશે. વડાપ્રધાન અમદાવાદમાં ઝાયડસ બાયોટેક પાર્ક, હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પૂનામાં સીરમ ઇન્સ્ટિટયૂટની મુલાકાત લેશે. વડાપ્રધાન કાલે સવારે 9 વાગ્યા આસપાસ ગુજરાત આવશે. બે કલાક રોકાઈ અને પૂના જવા રવાના થશે.
વડાપ્રધાનની મુલાકાત સમયે કે બાદમાં ટૂંક સમયમાં જ કોરોના વેક્સિનનું એલાન થાય એવો આશાવાદ મુલાકાતને કારણે જન્મ્યો છે. વડાપ્રધાન 28 નવેમ્બરે ગુજરાતમાં ઝાયડસ દ્વારા તૈયાર કરવામાં આવેલી ઝાયકોવ-ડી નામની કોરોનાની વેક્સિનને લઈને મોટી જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે પૂણેની સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાએ કોવિશીલ્ડ વેક્સિનના પ્રોડક્શનનું કામ ઝડપી કરી દીધું છે. સીરમ ઇન્સ્ટિટયૂટની તૈયારીઓ જોવા તેઓ ત્યાં પણ જવાના છે.
વડાપ્રધાન ઝાયડસની મુલાકાત કરશે. એ માટે તેઓ સવારે સાડા નવ વાગ્યે પહોંચી જાય તેવી સંભાવના છે. એ પછી 12.30 કલાકે પૂના જશે. બાદમાં હૈદરાબાદ જશે. વડાપ્રધાન મોદી અમદાવાદની ઝાયડસ કંપનીમાં કોરોના વેક્સિનની કાર્યવાહી અંગેનું નિરિક્ષણ કરશે. ઝાયડસ દ્વારા ઝાયકોવ-ડી નામની વેક્સિનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઝાયડસમાં વડાપ્રધાન મોદીના આગમનની તૈયારીઓ થઇ ચૂકી છે, તેઓ સીએમડી પંકજ પટેલ સાથે પણ ચર્ચા કરશે. અને બંનેની વાતચીત દરમિયાન કોરોના વેક્સિનના ડિસ્ટ્રીબ્યુશન મુદ્દે પણ ચર્ચા થાય તેવી સંભાવના છે.
નોંધનીય બાબત એ છે કે, અમદાવાદમાં કોરોના વેક્સિનનું ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ટ્રાયલમાં પ્રથમ દિવસથી જ લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર લોકો ફોન અને ઈમેલ દ્વારા પૂછપરછ કરી રહ્યા છે. કોરોનાના આ કપરા કાળમાં ડોકટરો રાત દિવસ મહેનત કરી રહ્યા છે અને વૈજ્ઞાનિકો પણ વેક્સિન સંશોધન કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીએ વેક્સિન બનવાતી કંપની અને ડોક્ટરોને મળવાનું નક્કી કર્યું છે. જેને લઈને ડોકટરો અને વૈજ્ઞાનિકોમાં ખુશી જોવા મળી રહી હતી.
સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ઝાયડસ કેડિલા 100 મીલીયન ડોઝ વેક્સિન બનાવશે. 2021ના પ્રથમ 6 મહિનામાં વેક્સિન ઉપલબ્ધ બનશે. કેડિલાની વેક્સિનને લોવર કોલ્ડ ચેનની જરૂર પડશે.
કોરોના રસીના નિરીક્ષણ માટે વડાપ્રધાન આજે અમદાવાદ આવશે
