સ્પૂતનિક-વી માટે હેટરો ગ્રુપ સાથે સમજૂતી: સત્તાવાર જાહેરાત કરાઈ
નવી દિલ્હી, તા. 27 : રશિયામાં તૈયાર થયેલી કોરોના વાયરસ રસી ‘સ્પૂતનિક-વી’નું ઉત્પાદન ભારતમાં થશે. આ માટે હેટરો ગ્રુપ સાથે સમજૂતી થઈ છે.
એક નિવેદનમાં રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ)એ જણાવ્યું હતું કે, બંને કંપનીઓ મળીને દર વર્ષે 10 કરોડ ડોઝ તૈયાર કરશે. ભારતમાં આ બીજી એવી રસી છે જેના આટલા વધુ ડોઝ બનાવવા માટે સમજૂતી થઈ છે. આ પહેલાં સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ)એ એસ્ટ્રાજેનેકાથી તેની કોવિડ રસીના ઉત્પાદનની સમજૂતી થઈ હતી. સ્પૂતનિક-વીની દેશમાં ત્રીજા ચરણની ટ્રાયલ ડો. રેડ્ડીઝ લેબોરેટરી કરી રહી છે. આ દુનિયામાં રેગ્યુલેટરી એપ્રૂવલ મેળવનારી પહેલી કોરોના રસી હતી, પરંતુ પર્યાપ્ત ડેટા ન હોવાને કારણે તેના વિશેની ઈંતેજારી ઓછી રહી હતી. ભારતમાં રસીને તમામ ચેકિંગમાંથી પસાર થયા બાદ મંજૂરી મળશે.
રશિયાના સાવરેન હેલ્થ ફંડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રસીનું ઉત્પાદન 2021માં શરૂ કરવાનો ઈરાદો છે. હાલમાં આ રસીના ત્રીજા ચરણનું પરીક્ષણ બેલારુસ, યુએઈ, વેનેઝુએલા અને અન્ય દેશોમાં ચાલી રહ્યું છે. આરડીઆઈએફએ જણાવ્યું હતું કે આ રસીનું ભારતમાં બીજા અને ત્રીજા ચરણનું પરીક્ષણ ચાલી રહ્યું છે.
રશિયામાં નિર્મિત સ્પૂતનિક-વી રસી 95 ટકા અસરદાર હોવાનો દાવો કરાઈ રહ્યો છે. મંગળવારે રશિયાએ કહ્યું હતું કે, તેની રસીનો એક ડોઝ આશરે 740 રૂપિયામાં ઉપલબ્ધ બનશે.
રશિયાની રસીનું ભારતમાં નિર્માણ થશે
