વિશ્વ કપની પાક. સામેની સચિનની ઇનિંગને હકે સર્વશ્રેષ્ઠ ગણાવી

વિશ્વ કપની પાક. સામેની સચિનની ઇનિંગને હકે સર્વશ્રેષ્ઠ ગણાવી
નવી દિલ્હી તા.22: પાકિસ્તાનની ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અને તેના સમયના સફળ બેટધર પૈકીના એક ઇન્ઝમામ ઉલ હકનું માનવું છે કે સચિન તેંડુલકરની 2003ના વિશ્વ કપમાં પાકિસ્તાન વિરૂધ્ધ રમેલી 98 રનની ઇનિંગ આ મહાન બેટધરની કેરિયરની સર્વશ્રેષ્ઠ ઇનિંગો પૈકીની એક છે. સચિને દ. આફ્રિકાના સેન્ચૂરિયન પાર્કમાં તા. 1 માર્ચ 2003ના રોજ વર્લ્ડ કપમાં પાક. સામે 98 રનની યાદગાર અને આક્રમક ઇનિંગ રમી હતી. આથી ભારતે પાકિસ્તાનનો 274 રનનો લક્ષ્યાંક આસાનીથી હાંસલ કરી લીધો હતો.
હવે ઇન્ઝમામ ઉલ હકે રવિચંદ્રન અશ્વિનના યૂ ટયૂબ શો ડીઆરએસ વીથ અશમાં કહ્યંy છે કે મેં સચિનને ઘણી વખત રમતો જોયો છે પણ તેણે એ મેચમાં જે પ્રકારે બેટિંગ કરી તેવી પહેલા કયારે પણ જોઇ ન હતી. તેણે જે પરિસ્થિતિમાં બોલરોનો સામનો કર્યો તે શાનદાર હતો. મને યાદ છે કે તેણે શોએબ અખ્તરના બોલ પર આઉટ થતાં પહેલા 98 રનની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમી હતી. મારું માનવું છે કે સચિનની આ સર્વશ્રેષ્ઠ ઇનિંગોમાં સામેલ છે. તેણે ભારતીય ટીમ પરથી દબાણ હટાવી દીધું હતું. તેણે અમારી જોરદાર બોલિંગ સામે જબરદસ્ત બેટિંગ કરી હતી. કોઇ સચિનને પૂછશે તો તેણે આ ઇનિંગને તેની પસંદની કહેશે. હકે સ્વીકાર્યું કે 273 રન કર્યાં બાદ અમને જીતનો વિશ્વાસ હતો કારણ કે અમારી પાસે વસિમ અકરમ, વકાર યુનિસ, શોએબ અખ્તર જેવા ફાસ્ટ બોલર હતા. મેચ સેન્યૂરિયનમાં રમાયો હતો. આથી અમને હતું કે આ સારો સ્કોર છે, પણ સચિને અમારી પાસેથી આસાનીથી મેચ છીનવી લીધો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer