રાજ્યના 4 મહાનગરમાં રાત્રી કર્ફ્યૂ યથાવત્

રાજ્યના 4 મહાનગરમાં રાત્રી કર્ફ્યૂ યથાવત્
અમદાવાદમાં દિવસનો કર્ફ્યૂ લંબાવાયો નહીં : રાજકોટ, સુરત, વડોદરાની જેમ હવે અમદાવાદમાં પણ માત્ર રાત્રી કર્ફ્યૂ
મુખ્યપ્રધાન રૂપાણીએ કરી જાહેરાત : યુવાનોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવા અપીલ
અમદાવાદ, તા.22 : દિવાળી પછી રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતા અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સૂરતમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે. સાથે જ અમદાવાદમાં આવતીકાલે સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કારવામાં આવ્યો છે ત્યારે અમદાવાદમાં સોમવારે સવારે 6 વાગ્યા પછી દિવસ દરમિયાનના કર્ફ્યૂમાં કોઇ વધારો કરવામાં નહીં આવે પરંતુ ચારેય મહાનગરોમાં માત્ર રાત્રી કરફ્યૂ જ યથાવત રહેશે તેવી જાહેરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ કરી હતી.
ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી હાઇપાવર કોર કમિટીની બેઠક બાદ મુખ્યપ્રધાને સોશિયલ મીડિયા મારફતે પ્રજાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આવતીકાલે અમદાવાદમાં સવારે કર્ફ્યૂ પૂરો થાય છે તે બાબતે ચર્ચા-વિચારણા બાદ આ કરફ્યૂ નહીં વધારવાનો નિર્ણય કરાયો છે જ્યારે ચારેય મહાનગરોમાં  રાત્રી કર્ફ્યું યથાવત રહેશે. તેમણે અમદાવાદ શહેરના સૌ નાગરિકોને બે દિવસના વીક એન્ડ કરફ્યૂમાં આપેલા પૂરતા સહકાર માટે અભિનંદન આપ્યા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો.
મુખ્યપ્રધાને રાત્રી કરફ્યૂનું કારણ આપતા કહ્યું કે, રાત્રી બજારમાં ચાની લારી હોય કે રેસ્ટોરન્ટ હોય ત્યાં લોકો કોઇપણ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સીંગ વગર ભેગા થઇને બેઠા હોય છે તેના કારણે કોરોના સંક્રમણ વધે છે. તેમણે યુવાનોને અનુરોધ કર્યો હતો કે, તમે તો યુવા અવસ્થામાં સ્વસ્થ છો, સશક્ત છો, ઝડપથી સાજા પણ થઇ જશો પણ તમે કોરોના સંક્રમણ લઇને ઘરે ગયા તો ઘરના વડીલો કોરોના સંક્રમિત થશે તો મુશ્કેલીમાં મુકાશે. એટલે યુવાનો ખાસ ધ્યાન રાખે, આ ચાર મહાનગરો સિવાય રાજ્યના બાકીના નગરો અને ગામો વડીલોને પણ વિનંતી કરતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, ગામમાં સાંજ પછી કોઇ ભેગા ના થાય, સોશિયલ ડીસ્ટન્સીંગ જળવાય, નિયમોનું પાલન થાય તે જોવાની જવાબદારી તેઓની છે. 
કર્ફ્યૂનો કડક અમલ કરાશે. કર્ફ્યૂમાં જો કોઇ નીકળશે તો તેના પર કાર્યવાહી થશે. ખાસ કરીને કોઇપણ વ્યક્તિ માસ્ક નહીં પહેરે તો તેને 1000 રૂપિયાનો દંડ કરાશે. કોરોનામાં માસ્કથી જ બચી શકાશે.  તેમણે એમ પણ કહ્યું કે, ભૂતકાળમાં આપણે સૌ સાથે મળીને દરેક સંક્રમણમાંથી સારી રીતે પાર ઉતર્યા છીએ ત્યારે નાગરિકોએ  ગભરાવાની કોઇ જરૂર નથી. રાજ્યસરકારે હોસ્પિટલોમાં પૂરતા બેડ, ડોકટરો તથા ત્વરિત સારવાર મળે તે માટેની બધી જ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer