આયુર્વેદ તબીબો પણ સર્જરી કરી શકશે

આયુર્વેદ તબીબો પણ સર્જરી કરી શકશે
નવી દિલ્હી, તા. 22 : દેશના તબીબી જગતમાં ધ્યાન ખેંચનારા મોટા સમાચારમાં હવેથી આયુર્વેદ તબીબો પણ વિવિધ 58 પ્રકારની સર્જરી (શત્રક્રિયા) કરી શકશે. ભારતીય ચિકિત્સા કેન્દ્રીય પરિષદે જાહેરનામું પણ બહાર પાડી દીધું છે.
જો કે આયુષ મંત્રાલય તરફથી આ વિશે આપવામાં આવેલી સ્પષ્ટતામાં કહેવામાં આવ્યું છે કે, આ કોઈ નવો નિયમ સરકારે લાગુ કર્યો નથી. આની ઘોષણા 2016માં થઈ ગઈ હતી. મંત્રાલયના કહેવા અનુસાર માત્ર પ8 પ્રકારની સર્જરી કરવાની જ આયુર્વેદિક તબીબોને મંજૂરી રહેશે. આયુર્વેદના તબીબો જનરલ સર્જરી (સામાન્ય ચીર-ફાડ), કાન, નાક, ગળા, આંખ, હાડકાં અને દાંતની બીમારીઓના ઇલાજ માટે સર્જરી કરી શકશે. બીજીતરફ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઇએમએ)એ આયુર્વેદ ડોક્ટરોને અપાયેલા આ અધિકારનો જોશભેર વિરોધ કર્યો છે. આઇએમએના સભ્યોએ આ પગલાંને તબીબી સંસ્થાઓમાં ‘ચોર દરવાજા’ મારફતે પ્રવેશનો પ્રયાસ ગણાવતાં કહ્યું હતું કે, આમ થતાં નીટ જેવી પરીક્ષાઓ તો ખતમ જ થઇ જશે.
 આઇએમએ તરફથી આયુર્વેદ તબીબોને સર્જરીની છૂટ આપતું જાહેરનામું પાછું ખેંચવાની માગ પણ ભારતીય ચિકિત્સા કેન્દ્રીય પરિષદ સમક્ષ કરાઇ હતી. આઇએમએ દ્વારા એક લક્ષ્મણરેખા ખેંચી રખાઇ છે જે ઓળંગવાના પરિણામો ઘાતક હશે તેવું નિવેદનમાં જણાવાયું હતું. ભારતીય ચિકિત્સા કેન્દ્રીય પરિષદને સલાહ છે કે, પ્રાચીન જ્ઞાનના આધાર પર સર્જરીની પોતાની પદ્ધતિ ભલે શોધે પરંતુ આધુનિક ચિકિત્સા શાત્રની પદ્ધતિઓથી દૂર રહે તેવું આઇએમએ દ્વારા જણાવાયું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer