રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસ 15000ને પાર

રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસ 15000ને પાર
248 દિવસમાં રોજના સરેરાશ 60 કેસ નોંધાયા, એક્ટિવ કેસ પણ 10 દી’માં ડબલ થઈ ગયા, વધુ 5 મૃત્યુ
રાજકોટ, તા.22: 19 માર્ચે ગુજરાતનો પહેલો કોરોના પોઝિટિવ કેસ રાજકોટમાં નોંધાયો હતો. આ દિવસથી લઈને દિવાળી સુધીમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા હતા. પરંતુ દિવાળી પછી કેસની સંખ્યામાં એકદમ તિવ્રતા આવવાનું શરૂ થયું છે. લોકડાઉન બાદ કેસમાં વધારો થયો અને સમય જતા તેમાં નોંધપાત્ર ઘટાડો થતો જતો હતો. પરંતુ આ બાબતને લોકોએ હળવાશથી લીધી અને દિવાળીના તહેવારોમાં દરેક બજારોમાં જામેલી ભીડના પરિણામ હવે કોરોનાના કેસ સ્વરૂપે સામે આવી રહ્યા છે. આજે રાજકોટ જિલ્લામાં નવા 145 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 15000ને પાર થઈ ચુક્યો હતો. જેમાં રાજકોટ શહેરના જ 10000થી વધુ કેસ નોંધાયા છે. બીજી તરફ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે કુલ 309 નવા કેસ નોંધાયા હતા. જ્યારે રાજકોટમાં 5, જામનગરમાં 1 દરદીનો કોરોનાએ ભોગ લીધો હતો તો 10 જિલ્લામાંથી કુલ 215 દરદી કોરોનાને મહાત આપવામાં સફળ થયા હતા.
રાજકોટ શહેરમાં બે દિવસ પહેલા કોરોનાના કુલ કેસનો આંક 10000ને પાર થયો હતો. ત્યારે ગઈકાલ સાંજથી આજ બપોર સુધીમાં 32 તથા સાંજ સુધીમાં બીજા 59 મળીને 91 તેમજ તાલુકા-ગ્રામ્યમાં 54 સહિત નવા 145 કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક 15000ને પાર થયો હતો. આમ 19 માર્ચથી 22 નવેમ્બર સુધીના 248 દિવસમાં રોજના સરેરાશ 60 લેખે રાજકોટ જિલ્લામાં કુલ 15,092 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ જિલ્લાના 5 દરદીએ કોરોનાની સારવાર દરમિયાન આજે અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે શહેરના 79 અને ગ્રામ્યના 24 મળીને 103 દરદી કોરોનામુક્ત થયા હતા. અત્યારે શહેરના 693 અને ગ્રામ્યના 323 મળીને કુલ 1016 એક્ટિવ કેસ રહ્યા હતા.
જામનગરની સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન આજે 1 દરદીનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે શહેરના 25 અને ગ્રામ્યના 15 મળીને નવા 40 કેસ નોંધાયા હતા. તો વધુ 28 દરદી સાજા થતા હાલ 125 એક્ટિવ કેસ છે.
જૂનાગઢ શહેરમાં 12, કેશોદમાં 8, વંથલીમાં 3, જૂનાગઢ ગ્રામ્યમાં 2, મેંદરડા અને માંગરોળમાં 1-1 મળીને જિલ્લામાં નવા 27 કેસ નોંધાયા હતા. જ્યારે 10 દરદી કોરોનામુક્ત થયા હતા. ભાવનગર શહેરમાં 20 સહિત જિલ્લામાં નવા 23 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 5056 થયો હતો. જેમાંથી આજે 12 દરદી સાજા થતા હાલ 57 એક્ટિવ કેસ રહ્યા હતા.
અમરેલી જિલ્લામાં નવા 17 કેસ સાથે કુલ પોઝિટિવ આંક 2970 પર પહોંચ્યો હતો. જ્યારે વધુ 13 ડિસ્ચાર્જ થતા હાલ 127 દરદી સારવાર હેઠળ રહ્યા હતા. મોરબી જિલ્લામાં નવા 15 કેસ નોંધાયા હતા અને 12 દરદી સાજા થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ નવા 16 કેસ નોંધાયા હતા અને 19 દરદી કોરોનામુક્ત થયા હતા. ગિર સોમનાથ જિલ્લામાં 14 કેસ અને 15 ડિસ્ચાર્જ દરદી નોંધાયા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં 2, કલ્યાણપુર અને ભાણવડમાં 1-1 એમ નવા 4 કેસ નોંધાતા હાલ 46 એક્ટિવ કેસ રહ્યા હતા. પોરબંદર શહેર-તાલુકામાં 3 તેમજ રાણાવાવમાં 2 મળીને જિલ્લામાં નવા 5 કેસ નોંધાયા હતા અને 2 દરદી સાજા થયા હતા. જ્યારે બોટાદમાં 3 કેસ અને 1 દરદી કોરોનાને મહાત આપવામાં સફળ થયા હતા.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer