માસાંત અથવા વર્ષારંભે કોરોના વેક્સિન આવે તેવી શક્યતા

માસાંત અથવા વર્ષારંભે કોરોના વેક્સિન આવે તેવી શક્યતા
નાયબ મુખ્યમંત્રીએ આપ્યા સંકેત, વડાપ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સમાં વિગત ચર્ચાશે
અમદાવાદ, તા.22 :  ગુજરાત સહિત સમગ્ર દેશ અત્યારે કોરોના સામેની મહામારી સામે લડી રહ્યો છે. દિવાળી પછી રાજ્યમાં કોરોનાએ ઉથલો માર્યો છે અને દૈનિક કેસો સતત વધી રહ્યા છે. જેને લઇને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારના રોજ દરેક રાજ્યના મુખ્યપ્રધાનો સાથે વેક્સિન અંગેની કાર્યવાહી કેવી રીતે કરવી? એનું વિતરણ કેવી રીતે કરવું ? એની ચેઇન કેવી રીતે ગોઠવવી ? વેક્સિન આવે તો એને કેવી રીતે સાચવવી ? તેના સંદર્ભે દેશના બધા જ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા વિચારણા હાથ ધરનાર છે.
આજે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોરોનાની રસી મુદ્દે જણાવ્યું હતું કે, બધા ભારતીયોને આનંદ થાય એવા સમાચાર આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય કક્ષાએ વેક્સિન આપવા માટે, દરેક નાગરિકોને વેક્સિન આપવા માટે જે તૈયારીઓ કરવાની છે, એ તૈયારી ભારત સરકાર દ્વારા ખૂબ ઉચ્ચ કક્ષાએ શરૂ કરી દેવામાં આવી છે. આ સંદર્ભે  વડાપ્રધાન દ્વારા મંગળવારે દેશના બધા જ મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સથી માટિંગ આયોજન કરાયું છે.
તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન કોરોના વેક્સીનના મામલે સતત અન્ય દેશો સાથે પરામર્શ કરીને દેશમાં વેક્સીન કેટલી ઝડપથી પ્રાપ્ત થાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે. જને ફળસ્વરૂપે દેશમાં વેક્સિન આવી રહી છે. ચાર કંપનીઓની વેક્સીન ચોથા તબક્કામાં છે. થોડા સમયમાં આપણને વેક્સીન મળશે તેવા ઉજળા સંજોગો દેખાઇ રહ્યા છે એટલે હવે જેમ આપણે કહીએ છીએ ને કે દરવાજે ટકોરા વાગી રહ્યા છે, જેમ ઘડીઓ ગણાઇ રહી છે. ટકોરા વાગી રહ્યા છે વેક્સિન આવવાના.  શક્ય છે કે, ડિસેમ્બર આખર સુધીમાં અથવા તો જાન્યુઆરીની શરૂઆતમાં વેક્સિન આવી જાય.
તેમણે જણાવ્યું હતું કે, વેક્સિન આવ્યા પછી પણ દેશના 130 કરોડ નાગરિકોને વેક્સિન આપવી, ગુજરાતના 6 કરોડ 30 લાખ નાગરિકોને વેક્સિન આપવી. માર્ગદર્શન મળે એ પ્રમાણે પ્રાયોરિટી બધું જ કરવાનું કામ ભારત સરકારે રાજ્ય સરકારો સાથે સંકલન કરીને વડાપ્રધાને ખૂબ મોટા પ્રમાણમાં હાથ ઉપર લીધું છે એટલે વેક્સિન આવે એટલે એક મોટા જોખમમાંથી આપણે પાર ઉતરીએ. એ પ્રમાણે વેક્સિનનું વિતરણ અને વ્યવસ્થા ચાલુ થશે એટલે આપણે એમ માની શકીએ કે, સાત મહિના જે કપરા ગયા, પણ આવનારા બે-ત્રણ મહિનાની અંદર બધી જ હળવાશ અને સરળતા થાય એ ચોક્કસ બનશે.
તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાને દેશને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતમાં પણ આપણે વેક્સિનની ડિમાન્ડ ચાલુ છે. તેના જૂદા જૂદા ટ્રાયલ ચાલુ છે. વિશ્વ કક્ષાની વેક્સિન પણ આવી રહી છે. ભારત સરકાર આ બધું કરી રહી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer