રાજકોટ સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદીનો ગળાફાંસો ખાઈ આપઘાત

હત્યાના ગુનામાં આજીવન કેદની સજા પડી’તી : ગઈકાલે પેરોલ રજા પુરી થતા જેલમાં આવ્યો’તો
રાજકોટ, તા.રર : રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં રહેતા અને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદીએ રાજકોટ સેન્ટ્રલ જેલના બાથરૂમમાં ઓઢવાની ચાદરથી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ પોલીસમાં નોંધાયો હતો. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ તેમના પરિવારને સોંપ્યો હતો.
આ અંગેની વિગત એવી છે કે, રાજકોટ સેન્ટ્રલ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદી જેન્તીભાઈ ઉર્ફે ભૂરો વેલજીભાઈ રાજાણી નામના કેદીએ જેલના બાથરૂમમાં ઓઢવાની ચાદરનું દોરડું બનાવી બારી સાથે બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
આ બનાવ અંગેની જાણ થતા જેલ અધિક્ષક તથા જેલ તબીબ તેમજ પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. આ અંગે એસીપી દીયોરા તથા ફોજદાર બી.વી.બોરીસાગર અને રાઈટર આનંદ મકવાણા સહિતના સ્ટાફે હાથધરેલી તપાસમાં ગંજીવાડા શેરી નં.પ8માં રહેતો જેન્તી ઉર્ફે ભૂરો વેલજી રાજાણી નામનો શખસ ર010માં હત્યાના ગુનામાં પકડાયો હતો અને જેલમાં ધકેલાયો હતો અને ર017ની સાલમાં આજીવનકેદની સજા ફટકારવામાં આવી હતી. થોડા દિવસ પહેલા જેન્તી ઉર્ફે ભૂરો રાજાણી પેરોલ રજા પર છૂટયો હતો અને ગઈ કાલે તા.ર1/11ના પેરોલ પુરા થતા પરત જેલમાં આવ્યો હતો અને જેન્તી ઉર્ફે ભૂરો રાજાણી તથા ગોંડલમાં પોસ્કોના ગુનામાં પકડાયેલા ખેગાર બીજલ સહિત ત્રણને જેલમાં યાર્ડ નં.9ની ખોલી નં.પમાં ક્વોરોનટાઈન રાખવામાં આવ્યા હતા અને રાત્રીના ત્રણેય કેદીએ જમી લીધા બાદ સુઈ ગયા હતા અને સાડા આઠ વાગ્યા બાદ જેન્તી ઉર્ફે ભુરા રાજાણીએ ઓઢવા આપેલી ચાદરનું દોરડુ બનાવી બાથરૂમમાં જઈ આપઘાત કરી લીધો હતો. જેલમાં બેરેક પાસે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં મૃતક જેન્તી ઉર્ફે ભુરો દોરડું લઈને બાથરૂમ તરફ જતો હોવાનું કેદ થયેલુ હોય પોલીસે ફૂટેજ મેળવ્યા હતા. પોલીસે મૃતદેહ તેમના પરિવારને સોપવાની કાર્યવાહી હાથ ધરી જરૂરી કાર્યવાહી કરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer