ગઢડા પંથકમાં એક વર્ષ પહેલા મૃત નવજાત શીશુ પ્રકરણનો ભેદ ઉકેલાયો

નિષ્ઠુર માતા-કાકા-કાકી અને તબીબ વિરુદ્ધ નોંધાતો ગુનો
પ્રેમસંબંધમાં સગર્ભા બનેલી યુવતીએ કાકા-કાકીની મદદથી નવજાત શીશુનો નિકાલ કરી નાખ્યો’તો
અમરેલી/બાબરા, તા.રર : ગઢડા પંથકમાં પ્રેમ પ્રકરણમાં સગર્ભા બનેલી યુવતીએ ગેરકાયદેસર ગર્ભપાત કરાવ્યા બાદ કાકા-કાકીની મદદથી મૃત નવજાત શીશુનો નિકાલ કરી નાખ્યાના બનાવનો એક વર્ષ બાદ પોલીસે ભેદ ઉકેલી નાખ્યો હતો અને નિષ્ઠુર માતા- કાકા-કાકી અને તબીબ વિરુધ્ધ પોલીસે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, ગઢડા તાબેના ઈતરીયા ગામે રહેતા હિંમત બાધાભાઈ ખીહરીયાએ લાઠીના દામનગર તાબેના નારાયણનગરમાં રહેતા હિતાર્થ દિલીપભાઈ જોષી નામના ખેડુતની જમીન ભાગીયુમાં વાવવા રાખી હતી. દરમિયાન હિંમત ખીહરીયાની 19 વર્ષની ભત્રીજીને ઈતરીયા ગામના ભરત કટારીયા નામના યુવાન સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને બંને વચ્ચે શરીર સંબંધ બંધાતા યુવતી સગર્ભા બની હતી. દરમિયાન યુવતીની વડલી ગામના યુવાન સાથે સગાઈ થઈ હતી અને છ માસ બાદ યુવતી ગર્ભવતી બની હોવાની કાકા હિંમત અને કાકી ગીતાબેનને જાણ થતા ગર્ભપાત કરાવવા માટે ઢસામાં આવેલ સીતારામ પ્રસૂતિ ગૃહના ડો.પારસ પ્રહલાદ શ્રવણ પાસે ગત તા.16/1ર/19ના ગયા હતા અને તા.17/1રના તબીબે રૂ.10 હજાર લઈ યુવતીને ઈન્જેકશન આપી ડીલીવરી કરાવી બાળકને જન્મ અપાવ્યો હાતો અને બે દિવસ બાદ બાળકનું મૃત્યુ નિપજયું હતું અને કાકા હિંમતએ ભાગીયુ વાવતા ખેડુતના ખેતરના શેઢે વોંકળામા મૃત શીશુને ખાડો ખોદી દાટી દીધું હતું. બાદમાં તા.રપ/1રના પોલીસને જાણ કરી હતી. આ મામલે પોલીસે ધીમી ગતિએ તપાસ હાથ ધરી હતી અને એક વર્ષ બાદ સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કર્યો હતો. આ મામલે પોલીસે નિષ્ઠુર માતા તથા કાકા હિંમત અને કાકી ગીતાબેન  અને ડો.પારસ પ્રહલાદ શ્રવણ વિરુધ્ધ ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer