ગોંડલમાં રેલવે ફાટકમાં ટ્રેન અડફેટે કાર ચડી જતા ચાલકનું મૃત્યુ

ગોંડલમાં રેલવે ફાટકમાં ટ્રેન અડફેટે કાર ચડી જતા ચાલકનું મૃત્યુ
ગેટમેનની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો
ગોંડલ, તા.રર : ગોંડલમાં જેતપુર રોડ પર આવેલા રેલ્વે ફાટકમાં ગેટમેનની બેદરકારીના કારણે ગોજારો અકસ્માત સર્જાયો હતો અને ખુલ્લા ફાટકમાંથી પસાર થતી કારને ટ્રેને અડફેટે લેતા ચાલકનું મૃત્યુ નિપજયું હતું.
આ અંગેની વિગત એવી છે કે, ભોજરાજપરા વિસ્તારમાં રહેતા અને જામવાડી જીઆઈડીસીમાં ટીનીગ મીલમાં નોકરી કરતો સંજયભાઈ ટીલાળા નામનો યુવાન તેની કાર લઈને જેતપુર રોડ પર આવેલા રેલ્વેના ખુલ્લા ફાટકમાંથી પસાર થતો હતો ત્યારે સોમનાથ-જબલપુર ટ્રેન અડફેટે ચડી જતા કારનો કડુસલો બોલી ગયો હતો અને ચાલક સંજયભાઈ ટીલાળાનું કરુણ મૃત્યુ નિપજયું હતું.
આ બનાવના પગલે રાહદારીઓ એકઠા થઈ ગયા હતા. આથી રેલવેના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. ફાટકના ગેટમેન હરસુખ રવજી સાવલીયાને ટ્રેન આવતી હોવાની જાણ હોવા છતાં બેદરકારી દાખવી ફાટક ખુલ્લું રાખ્યું હતું. આ અંગેની જાણ થતા મૃતકના પરિવારજનો પણ દોડી ગયા હતા અને મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. બાદમાં મૃતદેહ સ્વીકારી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો. મૃતક સંજયભાઈ બે ભાઈઓમાં નાના હતા. આ અંગે પોલીસે ફરજમાં બેદરકારી દાખવનાર ગેટમેન હરસુખ રવજી સાવલીયા વિરુધ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

તંત્રની બેદરકારીએ
માનવજિંદગી હોમાઈ
જેતપુર રોડ રેલવે ટ્રેકની ઉપર સાંઢિયા પુલનું કામ છેલ્લા ચાર-પાંચ વર્ષથી ગોકળ ગતિએ ચાલી રહ્યું હોઇ સાંઢિયા પુલની પાસે જ રોડ પર ફાટક કરી ડાયવર્ઝન અપાયું હોઇ ગાડા માર્ગના કારણે વાહન ચાલકોને રોજિંદા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય આજે આ મુશ્કેલીમાં વધુ એક માનવજિંદગી તંત્રના પાપે હોમાઈ જવા પામી છે.

અકસ્માતની તપાસ રેલવે સંરક્ષા આયુકત કરશે
ભાવનગર રેલવે મંડલના વીરપુર અને ગોંડલ સ્ટેશન વચ્ચે માનવ યુકત રેલવે ક્રોસિંગ નં.39 સી પર રવિવારનાં રોજ (સોમનાથ જબલપુર) ટ્રેન રેલ્વે ક્રોસીંગ પાર કરી રહી હતી ત્યારે કાર સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની તપાસ, પશ્ચિમ સર્કલ, મુંબઈનાં રેલવે સંરક્ષા આયુકત આર.કે.શર્મા દ્વારા તા.23 અને 24 નવેમ્બર 2020નાં રોજ રાજકોટનાં કોઠી કમ્પાઉન્ડ ખાતે રાખવામાં આવી છે. કોઈપણ નાગરિક અથવા રેલવે કર્મચારી, અધિકારી કે જે આ દુર્ઘટના વિશે માહિતી  આપવા માંગે છે, તે સ્વેચ્છાએ નિયત સમયે ઉપરોકત સરનામે પહોંચી અને રેલવે સંરક્ષા આયુકતને જાણકારી આપી શકે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer