ભારતે પેરિસ સમજૂતીના લક્ષ્યાંકો સિદ્ધ કર્યાં

ભારતે પેરિસ સમજૂતીના લક્ષ્યાંકો સિદ્ધ કર્યાં
નવી દિલ્હી, તા. 22 :  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જળવાયુ પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરવાનું જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો  અને જણાવ્યું હતું કે આ એક એવો મુદ્દો છે જેનો એકીકૃત રીતે સામનો કરવાની જરૂરત છે.  જી-20 પરિષદને વર્ચ્યુઅલી સંબોધતાં પીએમે એમ પણ કહ્યું હતું કે કોરોના મહામારી બીજા વિશ્વયુદ્ધ પછીનો સૌથી મોટો પડકાર છે.
ક્લાયમેન્ટ ચેન્જ સામેની લડાઈ પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાનું પણ એટલું જ જરૂરી છે. જળવાયુ પરિવર્તન સામેની લડાઈ એકલે નહીં પરંતુ એકીકૃત રીતે જ લડી શકાશે એમ પીએમ મોદીએ જણાવ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે ભારતે પેરિસ સમજૂતીના લક્ષ્યોને પાર જ પાડયા નથી બલ્કે તેનાથી પણ વધુ કામ કર્યું છે. પર્યાવરણ સાથે સામંજસ્ય સાધીને જીવવાની પરંપરાથી પ્રેરિત થઈને અને અમારી સરકારની પ્રતિબદ્ધતા થકી ભારતે પર્યાવરણ અનુકૂળ પગલાંઓ ભર્યાં છે એમ તેમણે કહ્યું હતું. દરમ્યાન, પરિષદને સંબોધતાં પીએમે કોરોના મામલે જણાવ્યું હતું કે કોરોના મહામારી દુનિયાની સામે બીજા વિશ્વયુદ્ધ બાદનો સૌથી મોટો પડકાર અને માનવતાના ઈતિહાસમાં મહત્ત્વપૂર્ણ વળાંક છે.તેમણે કોરોના બાદની દુનિયામાં પ્રતિભા, ટેકનોલોજી, પારદર્શિતા અને સંરક્ષણના આધારે એક નવા વૈશ્વિક સૂચકાંકના વિકાસનું સૂચન કર્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer