રાફુદડમાં થયેલા ખૂનનો ભેદ ઉકેલાયો: પરિણીતા સાથે અનૈતિક સંબંધ નિમિત્ત

પરપ્રાંતિય મહિલાના પતિ દ્વારા જ પથ્થર તેમજ ધારદાર હથિયાર વડે યુવાનનું ઢીમ ઢાળી દેવાયું: આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ
જામનગર, તા.21 (ફૂલછાબ ન્યુઝ) ગોકુલનગર વિસ્તારમાં રહેતા અને મૂળ રાફુદડ ગામના  જયેશ કરમશીભાઈ મઘોડિયા (ઉ.25)નું બે દિવસ પહેલા  ધારદાર હથિયાર વડે ખૂન થયું હતું. ખૂનનો ભેદ ઉકાલયો છે. આરોપીની મધ્યપ્રદેશથી ધરપકડ થઈ છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ અને લાલપુર પોલીસે મરનાર યુવાનના મોબાઈલ ફોન ઉપરાંત તેની કોલ ડીટેલના આધારે તપાસનો દોર આગળ ધપાવ્યો હતો. જેમાં અનૈતિક સંબંધો કારણભૂત હોવાનું સામે આવ્યું છે.
મૃતક યુવાનને મોટી રાફુદડ ગામ વિસ્તારમાં ખેત મજૂરી કરતી મધ્યપ્રદેશની વતની અને ત્રણ સંતાનોની માતા એવી સગુણાબેન સાથે અનૈતિક સંબંધો બંધાયા હતા. છેલ્લા ત્રણેક વર્ષથી એકબીજાના સંપર્કમાં હોવાથી અવાર-નવાર મળતા હતા. તે અંગેની જાણ મહિલાના પતિને થઈ જતાં તેનો કાંટો કાઢી નાખવા માટેનો પ્લાન ઘડાયો હતો.
મૃતક યુવાનનું જે સ્થળે  ખૂન થયું  તે સ્થળે અવાર-નવાર પરપ્રાંતિય મહિલાને મળવા જતો હતો. બનાવની આગલી રાત્રે મહિલાએ ફોન કરીને યુવાન જયેશને બોલાવ્યો હતો. તે જામનગરથી બાઈક લઈને ઉપરોકત સ્થળે પહોંચ્યો હતો અને મહિલા સાથે કઢંગી હાલતમાં હતો. તે દરમિયાન સગુણાબેનનો પતિ શંકર ઉર્ફે શંકરસિંહ સામરિયા કે જે અગાઉથી સંતાઈને બેઠો હતો. તેણે સૌ પ્રથમ પથ્થર ઉપાડીને જયેશના માથા પર ઝીંકી દીધો હતો. ત્યારપછી ખેતીના ઓજારમાં વપરાતી કોષ લઈને તેના મોઢામાં ઘુસાડી ખૂન કરી નાશી છૂટયો હતો.
તે પોતાની પત્નીને લઈને લાલપુરથી પોતાના વતન મધ્યપ્રદેશ તરફ ભાગ્યો હતો. પરંતુ પોલીસે તેનો પીછો કરી આરોપી શંકરને ઉપાડી લીધો છે અને લાલપુર લઈ આવ્યા પછી તેની સાથે સગુણાબેનને પણ લાવવામાં આવી છે. બંનેની પૂછપરછ શરૂ કરાઈ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer