મોરબીમાં અકસ્માતના 3 બનાવમાં 3 પરપ્રાંતીય યુવાનના મૃત્યુ

મોરબી, તા.21: મોરબીમાં અકસ્માતના જુદા-જુદા ત્રણ બનાવમાં 3 પરપ્રાંતીય યુવાનનાં મૃત્યુ નીપજ્યાં હતાં. જેમાં ચાલુ બાઈક પર એટેક આવતા યુપીના યુવાન, સીડી પરથી પડી જતા યુપીના યુવાન અને ચક્કર આવતા પડી જતા રાજસ્થાનના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.
મૂળ યુપીના વતની અને હાલ મોરબીના કાંતિનગરમાં રહેતા ચંદ્રભાનાસિંહ રામાયનાસિંહ સેથવાર (ઉ.વ.42) માળિયા ફાટકથી જી.કે.હોટલ વચ્ચે પોતાનું મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે અચાનક એટેક આવી જતા મોટરસાયકલ પરથી પડી જતા મૃત્યુ થયું હતું. બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી હતી. બીજા બનાવમાં મૂળ યુપીના વતની અને હાલ સરતાનપર રોડ પરની કલર ટાઇલ ફેક્ટરીમાં કામ કરતા બબલકુમાર ઓમપ્રકાશ રામ(ઉ.વ.26) યુવાન સીડી પરથી લપસી જતા કમર અને માથાના ભાગે ઈજા થતા મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનનું મૃત્યુ થતાં વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી હતી જ્યારે ત્રીજા બનાવમાં રાજસ્થાનના ભીલવડાના વતની અને હાલ સરતાનપર રોડ પર રહેતા રામસ્વરૂપ ભુરાલાલ ગુર્જર(ઉ.વ.42) નામના આધેડને છાતીમાં ગભરામણ થતાં ચક્કર આવતા ટ્રકના છાપરા પરથી પડી જતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આધેડનું મૃત્યુ થતા વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer