3 બોટમાંથી 3400 લીટર શંકાસ્પદ ડીઝલ પકડાયું

3 બોટમાંથી 3400 લીટર શંકાસ્પદ ડીઝલ પકડાયું
ઓખાના દરિયામાં ડીવાય.એસ.પી.સ્કવોડનું સફળ ઓપરેશન
ઓખા/દ્વારકા, તા.21 : આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ડીવાય.એસ.પી.ની સ્કવોડ દ્વારા ઓખાના દરિયામાં ફીશીંગ હેતુ ગયેલ ત્રણ બોટમાં સત્તર જેટલા બેરલમાંથી શંકાસ્પદ અને ગેરકાયદેસર માનવામાં આવતો 3400 લીટર જેટલો જથ્થો કબજે કરતાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઈન્ચાર્જ ડીવાય.એસ.પી.સમીર શારડાની સ્કવોડ દ્વારા હાથ ધરાયેલ પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફના રત્નાભાઈ તેમજ ઓમદેવસિંહ તથા સ્ટાફને બાતમી મળેલ કે ઓખાનાં દરિયામાં રહેલી કેટલીક બોટમાં ડીઝલનો ગેરકાયદે જથ્થો છે.
બાતમી આધારે ઓખા પહોંચેલ ડીવાય.એસ.પી.ની ટીમનાં પોલીસ કર્મચારીઓ દ્વારા હાથ ધરાયેલ ચેકીંગમાં ત્રણ બોટમાંથી 17 જેટલા બેરલ મળી આવ્યા હતાં. તેમાંથી અંદાજિત 3400 લીટર જેટલો ડીઝલનો જથ્થો સાંપડયો હતો. આ ડીઝલનાં જથ્થા અંગે પૂછપરછ હાથ ધરતાં બોટમાં રહેતાં ખલાસીઓ તેનો સંતોષકારક જવાબ આપી શકયા ન હતાં. શંકાના આધારે પોલીસે ડીઝલનો આ જથ્થો કબજે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer