સુરક્ષાની દ્રષ્ટિએ ICCએ નક્કી કરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે લઘુત્તમ વય

સુરક્ષાની દ્રષ્ટિએ ICCએ નક્કી કરી  આંતરરાષ્ટ્રીય ક્રિકેટ  માટે લઘુત્તમ વય
15 વર્ષથી નીચેના ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ રમી શકશે નહીં
નવી દિલ્હી તા. 21 : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે લઘુત્તમ ઉંમર 15 વર્ષ કરી છે જેથી ખેલાડીઓને સારી સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. આઇસીસીએ એક નિવેદનમાં કહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે પુરૂષ, સ્ત્રી, અંડર-19 કોઈપણ પ્રકારનું ક્રિકેટ રમવા માટે ખેલાડીની વય 15 વર્ષની હોવી ફરજિયાત છે. આ નિયમ ખેલાડીઓની સલામતીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. આ નિયમ આઈસીસી ટુર્નામેન્ટ્સ, દ્વિપક્ષીય સિરીઝ અને અંડર -19 ક્રિકેટ સહિતના તમામ પ્રકારના ક્રિકેટ પર લાગુ થશે.
આઇસીસી અનુસાર, કોઈ પણ અપવાદના કિસ્સામાં સભ્ય બોર્ડ આઈસીસીને 15 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીને રમવા માટેની મંજૂરીની અપીલ કરી શકે છે. તેમાં આ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે કે ખેલાડીનો અનુભવ કેટલો છે તેનો માનસિક વિકાસ કેટલો થયો છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના દબાણનો સામનો કરવા કેટલો સક્ષમ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાકિસ્તાનના હસન રઝાના નામે સૌથી નાની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કરવાનો રેકોર્ડ છે. તેણે 14 વર્ષ 227 દિવસની ઉંમરે જ 1996માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. જોકે, પાકિસ્તાનના રઝા અંગેના દાવાને લઈને વિવાદ થયો હતો, ત્યારબાદ પાકિસ્તાને પોતાનો દાવો પાછો ખેંચી લીધો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer