ધબકતું અમદાવાદ થંભી ગયું !

ધબકતું અમદાવાદ થંભી ગયું !
(ફૂલછાબ ન્યૂઝ) અમદાવાદ, તા.21: ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં 112 દિવસ પછી કોરોનાનું સંક્રમણ વધતા સરકાર દ્વારા ગત રાતે 9 વાગ્યાથી 23મી નવેમ્બરને સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદતા ધબકતું અમદાવાદ એકદમ થંભી ગયું છે. લોકડાઉન દરમિયાન જે દૃશ્યો સર્જાયાં હતાં તે ફરીથી ઉભરાઈને સામે આવ્યાં છે. ગત રાતથી જ શહેરના રસ્તાઓ ઉપર સન્નાટો છવાઈ જવા પામ્યો છે જ્યારે ઠેર ઠેર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાતા પોલીસ ખડે પગે ડયૂટી બજાવી રહી છે.
ગત રાત 9 વાગ્યાથી શરૂ થયેલા કર્ફ્યૂના કડક અમલ માટે પોલીસ કમિશનર દ્વારા 5 હજાર પોલીસ કર્મચારી અને સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે 225 નાકાબંધી પોઇન્ટ ઉપર મોરચો સંભાળી લીધો છે. બીજી બાજુ સતત પેટ્રાલિંગ અને કન્ટેન્ટમેન્ટ ઝોન સહિતના વિસ્તારોમાં પોલીસ ખડકી દેવામાં આવી છે. ગત મોડી રાતે પોલીસે શહેરના ભીડભાડવાળા વિસ્તારોમાં સતત પેટ્રાલિંગ કર્યું હતું અને સંખ્યાબંધ લોકોની અટકાયત કરી  હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે આજ સાંજ સુધીમાં કર્ફ્યૂ ભંગના 117 ગુના નોંધાયા હતા જે અંતર્ગત 130 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. આ સિવાય પોલીસની વાત નહીં માનનારા લોકો પર હળવો લાઠીચાર્જ કરવાની પણ નોબત આવી હતી. પોલીસે પોળમાં, શેરીઓમાં તેમજ સોસાયટી અને ફ્લેટોમાં જઇને સતત લોકોને ઘરમાં રહેવા માટેનાં પણ સૂચનો કર્યાં હતાં.
અમદાવાદ શહેરમાં કર્ફ્યૂનાં પગલે રેલવે સ્ટેશન ઉપર મુસાફરો માટે તંત્ર દ્વારા એએમટીએસ અને બીઆરટીએસની ફ્રી વ્યવસ્થા કરવામાં આવી હતી. બીજી બાજુ આજે સવારે રેલવે સ્ટેશન ઉપર લોકોની ભારે ભીડ જોવા મળી હતી. તંત્ર દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ તે પૂરતી ન હતી તેથી સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડયા હતા. પોલીસ દ્વારા શહેરમાં પ્રવેશના તમામ એન્ટ્રી પોઇન્ટ ઉપર સઘન ચાકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે જેની પાસે અમદાવાદમાં રહેતા હોવાનો પુરાવો હોય તો તેઓને ત્યાં કોવિડનો એન્ટિજન ટેસ્ટ કરાવીને શહેરમાં પ્રવેશ આપવામાં આવતો હતો. સાથે સાથે કર્ફ્યૂને લઇને કેબ દ્વારા આજે મુસાફરો પાસેથી ઉઘાડી લૂંટ કરાતા આરટીઓ કચેરીને જાણ કરવામાં આવી હતી.
આજે સમગ્ર દિવસ દરમિયાન જે અમદાવાદ ધબકતું કહેવાતું હતું તેના હાર્દસમા મહત્ત્વના તમામ માર્ગો સૂમસામ ભાસતા હતા. કર્ફ્યૂ દરમિયાન રાજ્યસરકાર દ્વારા દૂધ વિતરણ અને મેડિકલ સેવાને છૂટ આપવામાં આવી હતી પરંતુ બપોર પછી દુકાનો ઉપર કોઇ ગ્રાહક દેખાતા ન હતા. જો કે મહત્ત્વનું એ છે કે, અમદાવાદમાં લદાયેલા કર્ફ્યૂનાં કારણે રોજનું રોજ કમાઈને ખાનારાઓની હાલત કફોડી બની જવા પામી હતી. તેમાં પણ પરિવારના મોટેરાઓ ભૂખ્યા રહી શકે પરંતુ બાળકો ભૂખનું દુ:ખ સહન ના કરી શકે એટલે તેઓની હાલત ખરાબ થઈ જવા પામી હતી. જો કે નજીકની સોસાયટીઓ તેમજ રહેણાક વિસ્તારો દ્વારા આવા લોકોને ખાવા-પીવાની મદદ કરવામાં આવી હતી.
 અહીં નોંધવું ઘટે કે, અમદાવાદ શહેરમાં મેયર ઉપરાંત 48 વોર્ડના 192 કોર્પોરેટર, 17 ધારાસભ્ય અને 2 સાંસદો અમદાવાદની આવી વિકટ પરિસ્થિતિ હોવા છતાં પણ ક્યાંય દેખાતા ના હોવાની ફરિયાદ ઉઠી હતી. જેને લઇને નાગરિકોમાં આક્રોશની લાગણી વ્યાપી હતી. નાગરિકોમાં એવી ચર્ચા હતી કે, ચૂંટણી પ્રચાર દરમિયાન સતત દોડતા નેતાઓ હાલ ઘરમાં પુરાઈ રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer