ગિરનાર પરિક્રમા બંધ

ગિરનાર પરિક્રમા બંધ
જૂનાગઢ, તા.21 : ગિરિવર ગિરનારની ગોદમાં પરંપરાગત રીતે યોજાતી ગિરનારની લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ નડતા, પરિક્રમાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર મોકૂફ રાખવાની કલેક્ટર ડો. સૌરભ પારઘીએ જાહેરાત કરી છે.
ગિરનારની ગોદમાં 36 કિ.મી.ની પરંપરાગત રીતે યોજાતી લીલી પરિક્રમાના પ્રારંભનો કોઇ ચોક્કસ ઇતિહાસમાં ઉલ્લેખ નથી પણ લોકવાયકા મુજબ પાંડવોએ ગિરનારની પરિક્રમા કરી હતી. ત્યારથી વિવિધ સંઘો દ્વારા કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી એટલે કે પાંચ દી’ની પરિક્રમા યોજાતી રહે છે.
પરંતુ આ વર્ષે કોરોનાની વૈશ્વિક મહામારીએ ભરડો લીધો છે. મેળાવડા ઉપર સરકારનો પ્રતિબંધ લદાયેલ છે તેમજ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેથી ગિરનાર પરિક્રમા યોજવી શક્ય ન જણાતા તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ નથી.
બીજી બાજુ વિવિધ સમાજોના ઉતારા મંડળોએ દિવાળી પહેલા પત્રકાર પરિષદ યોજી, લોકોની સુરક્ષાને ધ્યાને લઇ પરિક્રમામાં ઉતારા, અન્નક્ષેત્રો તથા ચા-પાણીના પરબોના સંચાલકોને પરિક્રમામાં ન આવવા અનુરોધ કર્યો હતો, એટલે કે સેવાભાવી સંસ્થાઓને પરિક્રમાથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો.
આ રીતે ગિરનાર પરિક્રમા સામે પ્રશ્નાર્થ હતો પણ સત્તાવાર જાહેરાત ન થતા પરિક્રમા યોજાશે કે કેમ ? તે અંગે અવઢવ હતો અને પરિક્રમા પણ નજીક આવી રહી હતી ત્યારે જિલ્લા વહીવટી તંત્રની કોર કમિટીની બેઠક આજે યોજાઈ હતી. તેમાં વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ તેમજ જંગલમાં સરકારની ગાઇડલાઇનનો અમલ અશક્ય હોય તેથી અંતે કલેક્ટરે પરિક્રમા બંધ રાખવાની જાહેરાત કરી હતી.
ડો. પારઘીએ પત્રકાર પરિષદમાં ગિરનાર પરિક્રમા મોકૂફ રખાયાની જાહેરાત કરી ઉમેર્યું કે, પરિક્રમાની પરંપરા જાળવવા માટે આગામી દિવસોમાં સાધુ-સંતો સાથે બેઠક યોજી શુકનરૂપી 10થી 15 લોકો પરિક્રમા કરી પરંપરા જળવાશે.
ગિરનાર પરિક્રમામાં દર વર્ષે 10થી 12 લાખ ભાવિકો ઉમટે છે. આ માનવભીડ અને જંગલ વિસ્તાર હોવાથી સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અશક્ય છે તેમજ સરકારના જાહેરનામા મુજબ 200થી વધુ માણસો એકત્ર થવા ઉપર પ્રતિબંધ હોવાથી પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer